મુંબઈ ઍરપોર્ટ કૌભાંડમાં ઈડીના દરોડા, 800 કરોડનું કૌભાંડ હોવાની આશંકા

29 July, 2020 07:28 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ ઍરપોર્ટ કૌભાંડમાં ઈડીના દરોડા, 800 કરોડનું કૌભાંડ હોવાની આશંકા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રીડેવલપમેન્ટ માટે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જીવીકે ગ્રુપને ૨૦૦ એકર જમીન આપી હતી. આ કિસ્સામાં બોગસ કૉન્ટ્રૅક્ટ દ્વારા ૮૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ થયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે મની-લૉન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ટુકડીઓ મુંબઈ અને હૈદરાબાદ પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા. આ કૌભાંડને લગતા ૯ કેસ તૈયાર કરવામાં આવ્યા હતા.

જીવીકે ગ્રુપને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રીડેવલપમેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. ઍરપોર્ટનું મૉડર્નાઇઝેશન, અપગ્રેડેશન અને મેઇન્ટેનન્સ વગેરેને આ સોદામાં સમાવી લેવાયાં હતાં. જીવીકેના ચૅરમૅન સંજય રેડ્ડીના નિવાસસ્થાને ઈડીની ટીમ પહોંચી હતી. સાથોસાથ આ ગ્રુપની મનાતી અન્ય ૯ કંપનીઓ પર પણ ઈડીએ દરોડા પાડ્યા હતા. અત્યાર અગાઉ સીબીઆઇ પણ સંજય રેડ્ડીને ત્યાં દરોડા પાડી ચૂકી છે.

૨૦૦૬માં ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રીડેવલપમેન્ટ માટે જીવીકેને ૨૦૦ એકર જમીન આપી હતી. સોનાની લગડી જેવી આ જમીન વિશે બનાવટી દસ્તાવેજ તૈયાર થયા હતા અને બોગસ કૉન્ટ્રૅક્ટ પણ થયા હતા. આ કૉન્ટ્રૅક્ટમાં ૫૦.૫ ટકા હિસ્સો જીવીકેનો અને ૨૬ ટકા હિસ્સો ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા પાસે રહેશે એવી વાત થઈ હતી. બાકીનો હિસ્સો બીજી કંપનીઓને મળવાનો હતો. નિયમ મુજબ કમાણીનો પહેલો હિસ્સો ઍરપોર્ટ ઑથોરિટીને મળવાનો હતો અને ત્યાર બાદ બીજો હિસ્સો જીવીકેને મળવાની વાત હતી.

mumbai airport mumbai news mumbai