એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે રાજ ઠાકરેની પોણાનવ કલાક સુધી પૂછપરછ કરી

23 August, 2019 02:03 PM IST  |  મુંબઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે રાજ ઠાકરેની પોણાનવ કલાક સુધી પૂછપરછ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે રાજ ઠાકરેની પોણાનવ કલાક સુધી પૂછપરછ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ના અધિકારીઓએ ગઈ કાલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍ‌ન્ડ ફાઇનૅન્સ સર્વિસિસ કંપની સામેના મની-લૉન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે કોહિનૂર સીટીએનએલના ભાગીદાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની પોણાનવ કલાક સુધી પૂછપરછ કરી હતી. ગઈ કાલે સવારે ૧૧.૨૫ વાગ્યે ઈડીની દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયરની ઑફિસ પહોંચેલા રાજ ઠાકરે રાતે ૮.૧૫ વાગ્યે બહાર નીકળ્યા હતા. રાતે બહાર આવ્યા પછી તેમની રાહ જોતા પ્રસાર માધ્યમના પ્રતિનિધિઓ સામે ફક્ત હાથ જોડીને તેઓ કારમાં બેસીને દાદરના ઘર તરફ રવાના થઈ ગયા હતા.
રાજ ઠાકરેને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે કે નહીં એની સ્પષ્ટતા ઈડીના અધિકારીઓએ કરી નહોતી. ઈડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘નાણાકીય વ્યવહારોની પૂરતી માહિતી મેળવવા માટે રાજ ઠાકરેને પૂછવા માટે પ્રશ્નાવલિ તૈયાર રાખવામાં આવી હતી. રાજ ઠાકરેએ બયાન નોંધાવ્યા પછી તેમને ઘરે જવા દેવાયા હતા.’
જોકે પોણાનવ કલાક સુધી ઈડીની પૂછપરછનો સામનો કર્યા પછી રાજ ઠાકરેના હાવભાવમાં કોઈ ફેરફાર જોવા મળતો નહોતો. રાજ ઠાકરે સવારે ઈડીની બેલાર્ડ પિયરની ઑફિસમાં પહોંચ્યા ત્યારે તેમની સાથે પત્ની શર્મિલા, પુત્ર અમિત અને પુત્રવધૂ મિતાલી હતાં. રાજ ઠાકરે ઈડીના ઑફિસ-બિલ્ડિંગની અંદર ગયા ત્યારે કુટુંબીજનો નજીકની હોટેલમાં રોકાયા હતા.
પોલીસે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ટાળવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ઑફિસની આસપાસ તથા દાદરના કેટલાક વિસ્તારોમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૪૪ હેઠળ જમાવબંધીનો આદેશ બહાર પાડ્યો હતો. રાજ ઠાકરેએ પણ મનસેના કાર્યકરોને ઈડીની ઑફિસની બહાર એકઠા નહીં થવાનો અનુરોધ કર્યો હોવા છતાં પોલીસે જોખમ નિવારવા જમાવબંધીનો આદેશ બહાર પાડ્યો હતો. જોકે અંગ્રેજીમાં ‘EDiot Hitler’ લખેલું ટી-શર્ટ પહેરીને નીકળેલા મનસેના નેતા સંદીપ દેશપાંડેને પોલીસે અટકાયતમાં રાખ્યા હતા.

raj thackeray maharashtra navnirman sena