શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક આવતી કાલે પુત્ર સાથે ઈડીમાં હાજર થશે

02 December, 2020 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક આવતી કાલે પુત્ર સાથે ઈડીમાં હાજર થશે

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક

મની લોન્ડરિંગના કેસમાં આખરે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક ઈડીની પૂછપરછ માટે તૈયાર થયા છે. ગુરુવારે તેઓ દીકરા વિહંગ સાથે ઈડીની ઑફિસમાં હાજર થશે એમ તેમણે જણાવ્યું છે.

ઈડીએ ફરી એકવાર ગઈ કાલે પ્રતાપ સરનાઇકને તપાસ માટે હાજર થવા સમન્સ મોકલાવ્યું હતું સાથે જ તેમના દીકરા વિહંગને પણ ચોથી વાર સમન્સ મોકલાવ્યું હતું, પણ પોતે વિદેશથી આવ્યા હોવાથી પ્રતાપ સરનાઇક સાત દિવસ હોમ ક્વૉરન્ટીન થયા હતા. ગુરુવારે તેમની એ સાત દિવસની મુદત પૂરી થાય છે. એથી એમણે ગુરુવારે ઈડીની ઑફિસે પૂછપરછ માટે હાજર રહેવાનું ઠેરવ્યું છે.

મની લોન્ડરિંગના એક કેસની તપાસ કરવા દિલ્હીથી આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓની ટીમે પ્રતાપ સરનાઇકની ઑફિસ અને નિવાસસ્થાન મળી એકસાથે દસ જગ્યાએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. ત્યારે તેમણે વિહંગ સરનાઇકની પૂછપરછ પણ કરી હતી, પણ ત્યાર બાદ પત્નીની તબિયત સારી ન હોવાથી તેને હૉસ્પિટલાઇઝ કરી હોવાનું કહી વિહંગ સરનાઇક તેમની સાથે હૉસ્પિટલમાં ગયા હતા, પણ હવે તે પિતા પ્રતાપ સરનાઇક સાથે ગુરુવારે ઈડી સામે હાજર થશે. જો ગુરુવારે ઈડી તેમની સામે કોઈ કાર્યવાહી કરશે તો રાજકીય વર્તુળોમાં તેની અસર પડશે એમ જાણકારોનું કહેવું હતું.

mumbai mumbai news