પહેલાં ૧ લાખ રૂપિયાની એલચી અને હવે ૩ લાખ રૂપિયાનાં કાજુ, જીરું, તજ

23 July, 2024 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈની મસાલાબજારમાં વીસ દિવસમાં એક જ ગોડાઉનમાં થઈ બીજી વાર ચોરી

નવી મુંબઈની APMC માર્કેટની મસાલાબજારમાં થયેલી ચોરીનો વિડિયો-ગ્રૅબ

નવી મુંબઈના વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની મસાલાબજારના A-23 નંબરના ગાળાની પાછળની દીવાલ તોડીને રવિવારે મુશળધાર વરસાદનો લાભ લઈને પરોઢિયે પોણાચાર વાગ્યે અંદાજે ૩,૦૦,૦૦૦ રૂપિયાનાં કાજુ, જીરું અને તજની ચોરી થવાથી મસાલાબજારના વેપારીઓમાં ફફડાટ જાગ્યો છે. આ જ ગાળામાં વીસ દિવસ પહેલાં આ જ રીતે ગોડાઉનની દીવાલ તોડીને અંદાજે એક લાખ રૂપિયાની એલચીની ચોરી કરવામાં આવી હતી. વીસ દિવસમાં ફરીથી ચોરી થવાથી મસાલાબજારના વેપારીઓ રોષમાં આવી ગયા છે. તેઓ કહે છે કે આ બન્ને ચોરીના બનાવથી APMC બજારની સુરક્ષા જોખમમાં છે એવું સ્પષ્ટ દેખાય છે એટલું જ નહીં, મસાલાબજારના વેપારીઓ આવા બનાવો માટે APMCના ભ્રષ્ટ કારોબારને જવાબદાર ગણી રહ્યા છે.

આ બનાવની માહિતી આપતાં મસાલાના વેપારી મિલન ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વીસ દિવસ પહેલાં એલચીની ચોરી થઈ ત્યારથી અમે બધા જ આજુબાજુના ગોડાઉનના વેપારીઓ જાગૃત થઈ ગયા હતા. એ સમયે પણ APMC પોલીસમાં ફરિયાદ કરીને અમે CCTV કૅમેરાનાં ફુટેજ પોલીસને સુપરત કરીને ફરિયાદ કરી હતી. ત્યારે પણ ચોરો મારા ગોડાઉનની દીવાલ તોડીને ગોડાઉનમાં ઘૂસી આવ્યા હતા. તેમણે મારા ગોડાઉનની નાનામાં નાની વસ્તુઓની ઊથલપાથલ કરી નાખી હતી. અમે તરત જ ફરીથી દીવાલ ચણાવી લીધી હતી. એ ચોરી રાતના ૧૨.૩૦ વાગ્યે થઈ હતી, જ્યારે રવિવારની ચોરી પરોઢિયે પોણાચાર વાગ્યે કરવામાં આવી છે. CCTV ફુટેજમાં તેમની ચોરી કરવાની આખી પ્રક્રિયા કેદ થઈ ગઈ છે છતાં પોલીસ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં સફળ થઈ નથી.’

અમે હજી દસ દિવસ પહેલાં જ APMCના ચૅરમૅન સાથે APMCની સમસ્યાઓ અને સુધારા માટે મીટિંગ કરી હતી એમ જણાવતાં બૉમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ્સ અસોસિએશનના ભૂતપૂર્વ ચૅરમૅન અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મીટિંગમાં અમે માર્કેટમાં CCTV કૅમેરા મુકાવવા માટે, સિક્યૉરિટીમાં સુધારા કરવા માટેની માગણી કરી હતી. આ દરમિયાન આ ચોરીના બનાવોથી અમે સતેજ થઈ ગયા છીએ. અમે ટૂંક સમયમાં ફરીથી ચૅરમૅન સાથે મીટિંગ કરીને અમારી માગણીઓ પર કાર્યવાહી કરવામાં આવે એના પર જોર આપીશું.’

navi mumbai vashi apmc market Crime News mumbai crime news mumbai mumbai news mumbai police