ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાની ડેડલાઇન અઠવાડિયું લંબાઈ

25 November, 2012 04:48 AM IST  | 

ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાની ડેડલાઇન અઠવાડિયું લંબાઈ



રિક્ષા તથા ટૅક્સીનાં ભાડાં જ વધ્યાં છે એવું નથી. ઇલેક્ટ્રૉનિક મીટર (ઈ-મીટર) અલગ ભાડું બતાવે છે અને ટૅરિફ કાર્ડમાં અલગ ભાડું લખેલું હોય છે એને પરિણામે ભારે સમસ્યા થાય છે એટલે જ રિક્ષા તથા ટૅક્સી-ડ્રાઇવરો પોતાના મીટરને રીકૅલિબ્રેટ કરવા ઇચ્છે છે. સરકારે પણ એની ૨૫ નવેમ્બરની ડેડલાઇન એક અઠવાડિયું લંબાવી છે, પરંતુ જો ફ્યુઅલના તેમ જ અન્ય ઍક્સેસરીઝના ભાવમાં ફેરફાર થાય તો પણ દર વર્ષે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ કવાયત કરવી પડશે. હાલ મુંબઈ આરટીઓમાં ૧.૦૬ લાખ રિક્ષા તથા ૪૨,૦૦૦ ટૅક્સી રજિસ્ટર્ડ થયેલી છે.

ઈ-મીટર રીકૅલિબ્રેટ કરવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ૪૫ દિવસની મુદત આપી હતી જે આજે પૂરી થઈ છે. એમ છતાં હજી પણ ૫૫,૦૦૦ રિક્ષા તથા ૧૦,૦૦૦ ટૅક્સીનાં ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાનાં બાકી છે. રિક્ષામાં મિનિમમ ભાડું ૧૫ રૂપિયા તો ટૅક્સીમાં ૧૯ રૂપિયા કરવાનું છે.

ભવિષ્યમાં આ સમસ્યા વધુ વકરશે, કારણ કે રાજ્ય સરકારે લાંબા સમયથી રિન્યુ ન કરવામાં આવેલી તેમ જ જૂની પરમિટમાં પણ મેકૅનિકલ મીટરનો ઉપયોગ બંધ કરવાનો નર્ણિય લીધો છે. ડેડ પરમિટની કુલ સંખ્યા ૫૦,૦૦૦ની છે. આરટીઓમાં રીકૅલિબ્રેશન માટે માત્ર ૯૨ જેટલા કર્મચારીઓ હોવાથી દર વર્ષે આ કામનો વધારાનો બોજ તેમણે સહન કરવો પડશે.

ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરતી વખતે એની અંદર મૂકેલી એક ચિપને બદલવામાં આવે છે, પરંતુ આરટીઓમાં કર્મચારીઓની અછતને જોતાં દર વર્ષે ૪૫ દિવસની મુદત ઓછી પડશે.

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ