બીએમસીએ કમાલ કરી

28 September, 2022 08:30 AM IST  |  Mumbai | Prajakta Kasale

ચોમાસામાં કુખ્યાત હિન્દમાતા, મિલન સબવે અને ગાંધી માર્કેટમાં આ વખતે પાણી ન ભરાયાં : નવી પદ્ધતિનો ઉપયોગ કરીને ૮૬ કરોડ લિટર પાણીને ઉલેચવામાં આવ્યું હતું : હિન્દમાતામાં પાણીના નિકાલ માટે ૧૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

ઑગસ્ટથી સપ્ટેમ્બર દરમ્યાન મિલન સબવેના પમ્પમાંથી ૧૫.૨ કરોડ લિટર પાણી કઢાયું હતું.


મુંબઈ : દર વખતે ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા માટે કુખ્યાત હિન્દમાતા, ગાંધી માર્કેટ અને મિલન સબવે આ વખતે સૂકાં રહ્યાં હતાં. હિન્દમાતા અને ગાંધી માર્કેટ જેવાં સ્થળોએ જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસા વખતે અનુક્રમે ૩૩.૬ કરોડ અને ૩૭.૫ કરોડ લિટર પાણી ઉલેચીને નાળાંમાં નાખવામાં આવ્યું હતું. જોકે હિન્દમાતામાં પાણી ન ભરાય એ માટે સુધરાઈએ ૧૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો તો ગાંધી માર્કેટમાં આઠગણા ઓછા અંદાજે ૨૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. સુધરાઈએ હિન્દમાતામાં ત્રણ જગ્યાએ વિશાળ ભૂગર્ભ ટાંકીઓ બાંધવી પડી હતી, કારણ કે અહીં ડ્રેનેજ સિસ્ટમની ક્ષમતામાં વધારો થઈ શકે એમ નહોતો. બીજી તરફ ગાંધી માર્કેટમાં સારી ક્ષમતાવાળાં મિની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યાં હતાં. મિલન સબવે વિસ્તારમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર દરમ્યાન ૧૫.૨ કરોડ લિટર પાણી ઉલેચવામાં આવ્યું હતું. અહીં પણ ૧૦૦ કરોડનો પ્રોજેકટ ચાલી રહ્યો છે. 
બૉક્સ 
ક્યાં શું કામ ચાલી રહ્યું છે?
હિન્દમાતા  
સુધરાઈએ ત્રણ સ્થળોએ ભૂગર્ભ ટાંકીઓ બાંધી છે, જે પૈકી એક દાદર-વેસ્ટમાં આવેલા પ્રમોદ મહાજન કલા પાર્કમાં તો બાકીની બે પરેલમાં આવેલા સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડમાં છે. એની કુલ ક્ષમતા ૪.૫ કરોડ લિટર થઈ છે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ૧૫૫ કરોડ થયો છે તેમ જ ૩૩.૬ કરોડ લિટર પાણી ઉલેચાયું છે. 
ગાંધી માર્કેટ
સુધરાઈએ ભારતનગર કલ્વર્ટમાં પાણીને લઈ જવા માટે ચાર ઉચ્ચ ક્ષમતાના પમ્પ સાથે એક મિની પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ૨૦ કરોડ રૂપિયા છે. કુલ ૩૭.૫૫ કરોડ લિટર પાણી ઉલેચવામાં આવ્યું છે. 
મિલન સબવે 
સુધરાઈએ ત્યાં બે કરોડ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી બનાવી છે, જે ભારે વરસાદ વખતે પાણીનો સંગ્રહ કરી શકે. વરસાદ ઓછો થતાં આ પાણીને ગટરમાં છોડવામાં આવે છે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ૩૩ કરોડ છે. દરમ્યાન ૧૫.૨ કરોડ પાણીને ઉલેચવામાં આવ્યું હતું. 

mumbai news mumbai mumbai rains