દિવાળીમાં એસટી દરરોજ ૧૦૦૦ વધુ ઇન્ટ્રા-સ્ટેટ બસ ચલાવશે

31 October, 2020 12:10 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

દિવાળીમાં એસટી દરરોજ ૧૦૦૦ વધુ ઇન્ટ્રા-સ્ટેટ બસ ચલાવશે

પ્રતીકાત્મક તસવીર

એમએસઆરટીસી (એસટી)એ ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્યમાં તહેવારો અને દિવાળીની ભીડને ધ્યાનમાં રાખીને ૧૦ નવેમ્બરથી ૨૨ નવેમ્બર દરમ્યાન ૧૦ દિવસ માટે રોજની ૧૦૦૦ વધુ બસ ચલાવશે. આ વિશેષ બસ રાજ્યના મહત્ત્વના ડેપો પરથી રાજ્યભરમાં ચલાવાશે. આ વિશેષ બસોનું ટાઇમ ટેબલ અને બુકિંગ વિશેની વિગતો એમએસઆરટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
સામાન્યપણે એમએસઆરટીસી દિવાળીમાં બસના ભાડામાં 30 ટકાનો વધારો કરતા હોય છે. પરંતુ કોરોના વાઇરસને કારણે રોજગાર ગુમાવવાનો કે પગાર કપાતનો સામનો કરી રહેલા મુંબઈગરાની કથળેલી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ વર્ષે બસનાં ભાડાં વધારવામાં નહીં આવે એમ રાજ્ય પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય પરિવહન વિભાગ છેલ્લા ત્રણ મહિનાથી તેમના કર્મચારીઓને પગાર ચૂકવી ન શક્યો હોવાથી તેમનો પગાર ચૂકવવા માટે એમએસઆરટીસીએ રાજ્ય સરકાર પાસેથી 3600 કરોડ રૂપિયાની સહાય માગી છે પરંતુ રાજ્ય સરકારને થયેલા ભારે નુકસાનને કારણે એ હાલમાં કોઈ પણ સંસ્થાને મદદ કરવાની સ્થિતિમાં નથી. પરિણામે એમએસઆરટીસી અન્ય બાહ્ય સ્રોતો પાસેથી ભંડોળ ઊભું કરવાના પ્રયત્ન કરી રહી છે એમ જણાવતાં એમએસઆરટીસીના ચૅરમૅન અનિલ પરબે વધુમાં ઉમેર્યું હતું કે તે તેના બસ ડેપો સામે લોન લેવાની વિચારણા કરી રહ્યા છે.
દર મહિને પગાર માટે એમએસઆરટીસીને ૨૯૨ કરોડ રૂપિયાની જરૂર છે. કોવિડ-19 પહેલાં એમએસઆરટીસીની એક દિવસની આવક ૨૨ કરોડ રૂપિયા હતી જે ઘટીને ફક્ત ૫-૬ કરોડ થઈ ગઈ છે એમ પરબે ઉમેર્યું હતું.

mumbai mumbai news rajendra aklekar