રાજીનામું આપ્યા પછી પણ અજિત પવારે બંગલો ખાલી નહોતો કર્યો

28 December, 2012 05:46 AM IST  | 

રાજીનામું આપ્યા પછી પણ અજિત પવારે બંગલો ખાલી નહોતો કર્યો



જો હજી થોડાં સપ્તાહ સુધી અજિત પવાર કૅબિનેટની બહાર રહ્યા હોત તો તેમણે રાજ્ય સરકારને મલબાર હિલના સરકારી બંગલાનું વધુ ભાડું ચૂકવવું પડ્યું હોત એમ રાઇટ ટુ ઇન્ફર્મે‍શન (આરટીઆઇ) ઍક્ટ હેઠળ કરવામાં આવેલી એક અરજીમાં જાણવા મળ્યું છે. ૨૫ સપ્ટેમ્બરે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે કૅબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ અજિત પવાર મલબાર હિલમાં આવેલા તેમના ઑફિશ્યલ રેસિડેન્સ દેવગિરિમાં જ રહ્યા હતા. ૭ ડિસેમ્બરે તેમણે કૅબિનેટમાં પાછો પ્રવેશ લીધો, પરંતુ ત્યાં સુધી સરકારી બંગલામાં રહેવા માટે પ્રતિ સ્ક્વેરફૂટ ૫ાચ રૂપિયા પ્રમાણે તેમણે ભાડું ચૂકવ્યું હતું. આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે અજિત પવારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું, પરંતુ એ જ ધોરણે સરકારી બંગલો ખાલી ન કર્યો.

૨૦૦૬ના ગવર્નમેન્ટના સક્યુર્લર પ્રમાણે રાજીનામા બાદ ૧૫ દિવસ સુધી મિનિસ્ટર પોતાના સરકારી બંગલામાં મફત રહી શકે છે. ત્યાર બાદ જો બીજા ત્રણ મહિના રહે તો પ્રતિ સ્ક્વેરફૂટ પાંચ રૂપિયા પ્રમાણે ભાડું આપવું પડે તેમ જ ત્રણ મહિના બાદ પ્રતિ સ્ક્વેરફૂટ ૧૫ રૂપિયા પ્રમાણે ભાડું આપવું પડે. આ ભાડામાં ફર્નિચર, ગૅસ, પાણી, ટેલિફોન તથા ઇલેક્ટ્રિસિટી બિલનો પણ સમાવેશ છે.