અંબરનાથ રેલવે-સ્ટેશન પર સેફ્ટીના નિયમની ઐસી કી તૈસી

13 October, 2013 04:13 AM IST  | 

અંબરનાથ રેલવે-સ્ટેશન પર સેફ્ટીના નિયમની ઐસી કી તૈસી




સપના દેસાઈ અને વેદિકા ચૌબે


મુંબઈ, તા. ૧૩

શનિવારે સવારે અંબરનાથ રેલવે-સ્ટેશન પર લોકલ ટ્રેન પકડવા માટે ઘણા મુસાફરો આવ્યા તો તેમણે પ્લૅટફૉર્મ નંબર બે પર કેટલાક લોકોને ફટાકડા ફોડતાં જોયા. રેલવે-સ્ટેશન પર આવી પ્રવૃત્તિ કરી શકાય નહીં એ નિયમથી તેઓ અજાણ હોવા જોઈએ.

શનિવાર હોવાથી ૮.૫૦ વાગ્યાની અંબરનાથ-CST લોકલમાં પ્રમાણમાં ઓછી ગિરદી હતી. રવિવારે આવનારા દશેરાની ઉજવણી તેઓ કરી રહ્યા હતા. પોણાનવ વાગ્યે જેવી લોકલ સ્ટેશન પર આવી કે એને હાર પહેરાવવામાં આવ્યો. અંબરનાથમાં રહેતા તથા કલ્યાણ જતા પ્રકાશ ગોહિલ નામના મુસાફરે આ તમામ ફોટોઓ પાડ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘મેં ઢોલ-નગારાંનો મોટો અવાજ સાંભળ્યો. મુસાફરો દશેરાની ઉજવણી કરી રહ્યા હોય એવી મને ખબર પડી, પરંતુ લોકલ ટ્રેનની નજીક જઈને જોયું તો તેઓ પૈકી કેટલાક ફટાકડાઓ ફોડીને મુસાફરોમાં ગભરાટ ફેલાવી રહ્યા હતા. ફટાકડા ફોડવા કે પછી જ્વલનશીલ પદાર્થ લઈ જવાને કારણે કેટલું મોટું જોખમ હોય છે એનાં પોસ્ટરો ઠેર-ઠેર લાગેલાં હોવા છતાં પોલીસે આવી પ્રવૃત્તિ કરી રહેલા મુસાફરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોતી. પ્રકાશ ગોહિલે વધુમાં કહ્યું હતું કે ‘૧૦૦ જેટલા મુસાફરો પોતાની સાથે ગુલાલ પણ લાવ્યા હતા જે અન્ય મુસાફરો પર છાંટતા હતા તથા મીઠાઈ પણ વહેંચતા હતા. તહેવારનો આનંદ ઉઠાવવો અલગ વસ્તુ છે, પરંતુ એને કારણે અન્ય મુસાફરોને હેરાન કરી શકાય નહીં.’

પ્લૅટફૉર્મ પર થઈ રહેલી આ તમામ પ્રવૃત્તિ ત્યાં ઉપસ્થિત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) જોઈ રહી હતી. જો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો કોણ જવાબદાર હોત. નામ ન જણાવવાની શરતે એક RPF કર્મચારીએ કહ્યું હતું કે ‘અમે માત્ર ચાર હતા અને તેમની સંખ્યા હજાર કરતાં વધુ હતી. અમે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. આ માત્ર થોડીક મિનિટો પૂરતું હતું. જેવી ટ્રેન છૂટી કે બધું નૉર્મલ થઈ ગયું. RPFને ઢોલ-નગારાં વગાડનારા લોકોનાં નામ મળ્યાં, પરંતુ રેલવે પ્લૅટફૉર્મ પર ફટાકડા ફોડનારા લોકોને તેઓ હજી શોધી રહ્યા છે.

નેરુળથી કર્જત જઈ રહેલા મોહિત સિંહ નામના મુસાફરે કહ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ નંબર બે પર તહેવારની ઉજવણીનો માહોલ હતો. મહિલા-પુરુષો તથા બાળકો નાચી રહ્યાં હતાં, પરંતુ તેઓ ભૂલી ગયા કે કંઈક અજુગતું બની શકે છે.’

૧૨ ડબ્બાની આ લોકલના દરેક ડબ્બામાં રહેલા મુસાફરો ઉજવણી કરી રહ્યા હતા. કેટલાક મુસાફરોએ મોટરમૅન તથા ગાર્ડનું સ્વાગત પણ કર્યું હતું. આ બધું પતી ગયા બાદ RPFએ પોતાની કાર્યવાહી શરૂ કરી. ઢોલ-નગારાં વગાડનારાઓની ધરપકડ કરવામાં આવી, પરંતુ ફટાકડા ફોડનારાઓ લોકલમાં બેસીને રવાના થઈ જતાં તેમની ધરપકડ થઈ શકી નહોતી. RPF દ્વારા ૨૩ વર્ષના સુનીલ ખરાત, ૨૦ વર્ષના રાહુલ હરિજન, ૧૮ વર્ષના ગણેશ ગાયકવાડ, ૧૮ વર્ષના રાકેશ વનસોડે, ૨૩ વર્ષના સચિન પંડિત, ૨૦ વર્ષના મણિમૂર્તિ, ૧૮ વર્ષના સેલ્વન સ્વામી, ૨૦ વર્ષના સૌરવ કાંબળે તથા ૨૦ વર્ષના રોહિત કાંબળેની ધરપકડ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ રેલવે RPFના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર આલોક બોહરાએ કહ્યું હતું કે ‘બૅન્ડ-ગ્રુપની અમે ધરપકડ કરી છે. નિયમનો ભંગ કરનારા લોકોને અમે પકડીશું. વધુ માહિતી માટે અમે CCTV ફુટેજ જોઈ રહ્યા છીએ.’