મુંબઈમાં ૫૦ રૂપિયામાં વેચાય છે ૧૦૦ રૂપિયાની નકલી નોટ

12 October, 2012 05:34 AM IST  | 

મુંબઈમાં ૫૦ રૂપિયામાં વેચાય છે ૧૦૦ રૂપિયાની નકલી નોટ



વિનય દળવી

મુંબઈ, તા. ૬

મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે બુધવારે માહિમ અને વિરારમાંથી ૩ યુવકોની ધરપકડ કરીને બનાવટી ચલણી નોટોના ગોરખધંધાના મોટા ઇન્ટર સ્ટેટ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ઇલેક્શન છે એને પગલે મોટા પ્રમાણમાં બનાવટી નોટો ગુજરાતમાં વપરાશે અને એથી બંગલા દેશથી આવતી આવી બનાવટી નોટો આસાનીથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહી છે. આવી નોટો પહેલાં ગુજરાતથી મુંબઈ આવતી હતી, પણ હાલમાં એ મુંબઈથી ગુજરાત લઈ જવામાં આવી રહી છે.

પોલીસે માહિમથી એક અને વિરારથી બે જણની ધરપકડ કરીને ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું ૫૦૦ ગ્રામ ચરસ અને ૩,૫૦,૦૦૦ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી. આ આરોપીઓની પૂછપરછમાં આ રૅકેટનો પર્દાફાશ થયો હતો.

ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના વરલી યુનિટના પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સાંગલેએ કહ્યું હતું કે ‘આરોપીઓએ અમને કહ્યું હતું કે હાલમાં ગુજરાતમાં બનાવટી નોટોની અછત છે. ૧૩ અને ૧૭ ડિસેમ્બરે ઇલેક્શન છે અને એમાં વધુ બનાવટી નોટોની ડિમાન્ડ છે એથી બધી બનાવટી નોટોને ગુજરાત લઈ જવામાં આવી રહી છે. બંગલા દેશની સરહદથી આ નોટો ભારતમાં ઘુસાડવામાં આવે છે. આ ગોરખધંધો પાકિસ્તાન અને દુબઈથી વાયા બંગલા દેશ ચલાવવામાં આવે છે.’

આ અગાઉ પણ એક અઠવાડિયા પહેલાં શહેરમાં બનાવટી ચલણી નોટોના ગુજરાતને સંડોવતા એક કેસનો પર્દાફાશ થયો હતો. બનાવટી નોટો વેચવાનું રૅકેટ ચલાવતા એક આરોપીની ધરપકડ કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે મેં માટુંગામાં એક વ્યક્તિને નોટો વેચી છે. આ માહિતીના આધારે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે માટુંગાના એક બિઝનેસમૅન ધીરજલાલ મણિલાલની બનાવટી નોટો ખરીદતી વખતે ધરપકડ કરી હતી. તેણે ૯૩,૦૦૦ રૂપિયાની નોટો ખરીદી હતી.

કેટલામાં મળે છે બનાવટી નોટો?

બનાવટી નોટો પશ્ચિમ બંગાળથી ખરીદવામાં આવે તો ૪૦ રૂપિયામાં ૧૦૦ રૂપિયાની એક બનાવટી નોટ મળે છે. આ નોટ મુંબઈમાં ૫૦ રૂપિયામાં વેચવામાં આવે છે. મુંબઈમાં અત્યાર સુધી ૧૨,૦૦,૦૦૦ રૂપિયાની બનાવટી નોટો વેચાઈ ચૂકી છે. મુંબઈમાં બનાવટી નોટોનો ધંધો કરનારા લોકો હવે પશ્ચિમ બંગાળ જઈને આવી નોટો ખરીદી રહ્યા છે.