નકલી વ્યંડળોથી સાવધાન

12 December, 2012 07:33 AM IST  | 

નકલી વ્યંડળોથી સાવધાન



થાણે-વેસ્ટમાં ચેકનાકા વિસ્તારમાં આવેલા માતૃછાયા બિલ્ડિંગમાં રહેતી ૩૪ વર્ષની ગૃહિણી અસ્મિતા નીલેશ ટીટાને શનિવારે ૮ ડિસેમ્બરે બપોરે પોણાબાર વાગ્યે ત્રણ વ્યંડળોએ હિપ્નોટાઇઝ કરીને છેતરપિંડીથી લગભગ બે તોલા સોનાનાં ઘરેણાં પડાવી લીધાં હતાં. તેમના પતિ નીલેશ ટીટાએ આ બાબતે શ્રીનગર પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી છે.

હજી સુધી અસ્મિતા માનસિક રીતે સ્થિર થઈ ન હોવાથી તેના પતિ નીલેશે આ ઘટના વિશે વધુ માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘શનિવારે મારી પત્ની અસ્મિતા મારી ત્રણ દીકરીઓ સાથે ઘરે હતી ત્યારે બપોરે પોણાબાર વાગ્યે ત્રણ નકલી વ્યંડળો મારા ઘરે આવ્યા હતા. તેઓ પત્ની પાસે પાણી માગવાના બહાને તેને હિપ્નોટાઇઝ કરીને ઘરમાં ઘૂસ્યા હતા. ત્યાર બાદ અસ્મિતાની માનસિક પરિસ્થિતિ કન્ટ્રોલમાં ન રહેતાં તેણે વ્યંડળોને ઘરમાં આવવા કહ્યું હતું. ઘરમાં આવી તેમણે અસ્મિતાને ઘરની સુખ-શાંતિ માટે ઉતારો કરાવવા કહ્યું અને ઘી તથા કંકુ-ચોખા જેવી સામગ્રીની માગણી કરી હતી. ત્યારે અસ્મિતાએ ઘરમાં ઘી નથી એમ કહેતાં વ્યંડળોએ ઘીના ૭૦૦ રૂપિયા મૂકવા કહ્યું હતું. એ ઉપરાંત નવી કોરી સાડી અને પૈસા આપવા કહ્યું હતું, પરંતુ ઘરે વધુ પૈસા ન હોવાથી એના બદલે સોનાની પાંચ વસ્તુઓ મૂકવા કહ્યું હતું. એ વખતે અસ્મિતાએ દીકરીની બૂટી કાઢીને આપી ત્યારે વ્યંડળોએ કુમારિકાઓના દાગીના ન લેવાય એમ કહીને એને નકારી હતી. ત્યાર બાદ પોતાના દાગીના આપવા કહ્યું એટલે અસ્મિતાએ પોતાની બે વીંટી, કાનની બૂટી, એક-એક ગ્રામના સોનાના ૪ કૉઇન, ૨ ગ્રામનો એક કૉઇન, દીકરીનું એક ગ્રામનું પેન્ડન્ટ તેમને આપી દીધાં. વ્યંડળોએ આ રીતે છેતરપિંડી કરીને અસ્મિતા પાસેથી બે તોલા દાગીના, ૭૦૦ રૂપિયા રોકડા અને નવી કોરી સાડી પડાવી લીધાં હતાં. જતી વખતે અસ્મિતાને તેમણે કહ્યું કે તમે જમવાનું બનાવી રાખો, અમે સોનાને સ્મશાનમાં જઈને શુદ્ધ કરીને અડધો કલાકમાં પાછા આવીએ છીએ. એટલું કહી તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ચાર વાગ્યે હિપ્નોટિઝમની અસર ઓછી થતાં અસ્મિતાને આખી ઘટના યાદ આવી ગઈ. તેણે તરત જ મને ફોન કરીને આખી વાત જણાવી. હજી પણ અસ્મિતા આ ઘટનામાંથી પૂરેપૂરી રીતે બહાર નથી આવી શકી. શનિવારે સાંજે મેં શ્રીનગર પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.’