અમદાવાદ-મુંબઈ ડબલ ડેકરના છેલ્લા ત્રણ કોચ સાથે ટ્રક અથડાઈ

23 January, 2022 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે કોચને સહેજ સ્ક્રૅચ થવા સિવાય કોઈ ગંભીર નુકસાન કે જાનહાનિ નહીં

આ ઘટના સવારે ૧૧ વાગ્યે સંજાણ અને ઉમરગાંવ સેક્શનની વચ્ચે અને ઉદવાડા સ્ટેશન નજીક બની હતી

ટ્રેન-ક્રમાંક ૧૨૯૩૨ અમદાવાદ-મુંબઈ ડબલ ડેકરના પ્રવાસીઓ માટે ગઈ કાલનો દિવસ ઘણો લકી રહ્યો એવું કહી શકાય છે, કારણ કે આ ડબલ ડેકર સંજાણ અને ઉમરગાંવ સેક્શન વચ્ચેથી ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે પસાર થઈ રહી હતી ત્યારે ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર માટે સાઇટ પર સામાન લઈ જતું એક ડમ્પર જ્યાં કામ ચાલી રહ્યું છે એ જગ્યા પર લપસી ગયું હતું અને આખું નમી જતાં એ આ ટ્રેનના પાછળના ત્રણ ડબ્બા સાથે ઘસાવાની ઘટના બની હતી. સદ્નસીબે એના કારણે ટ્રેન પાટા પરથી ઊતરી પડી નહોતી તેમ જ કોચને સહેજ સ્ક્રૅચ થવા સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નહોતું કે કોઈ જાનહાનિ થઈ નહોતી. 
આ ઘટના સવારે ૧૧ વાગ્યે સંજાણ અને ઉમરગાંવ સેક્શનની વચ્ચે અને ઉદવાડા સ્ટેશન નજીક બની હતી. મળેલી માહિતી અનુસાર એક ડમ્પર ટ્રક ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ જ્યારે તે બોરીવલી તરફ ઝડપથી જઈ રહી હતી. 
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ સામાન લઈ જતી આ ટ્રકને ચાલક યોગ્ય રીતે ચલાવી શક્યો ન હોવાથી એ જોખમી રીતે રેલવેલાઇનના માર્ગ પર આવી હશે જેના પરથી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. 
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘આ ટ્રક ટ્રેનના પાછળના ત્રણ કોચ સાથે અથડાઈ હતી. જોકે સદ્નસીબે કોઈને ઈજા થઈ નથી. કોચને સ્ક્રૅચ 
સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નહોતું. ટ્રૅક પાસે ફૅન્સિંગ તેમ જ ગટર હતી.’ 
રેલવેએ આને વિચિત્ર ઘટના ગણાવી હતી. અડધા કલાક પછી ટ્રેન લગભગ સાડાઅગિયાર વાગ્યે મુંબઈ તરફ આગળ વધી હતી. ડમ્પરે રેલવે-ટ્રૅક પર સામગ્રી ઢોળી હતી જે જેસીબી મશીનની મદદથી સાફ કરવામાં આવી હતી અને ટ્રકને પણ દૂર કરવામાં આવી હતી. 
રેલવે પોલીસે ડમ્પર ટ્રકચાલકને પકડી લીધો હતો. વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર આલોક કંસલ સવારે સાડાઅગિયાર વાગ્યે ઘટનાસ્થળ પર ગયા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

mumbai mumbai news indian railways