25 May, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈમાં કોપર ફાટા પાસે બ્રિજ નીચે ડમ્પર ફસાઈ જતાં ટ્રાફિક જૅમ થયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગઈ કાલે પરોઢિયે એક વિચિત્ર અકસ્માત થયો હતો. વસઈ હાઇવે પર કોપર ફાટા પાસે મુંબઈથી અમદાવાદ જતી લેન પર આ અકસ્માત થયો હતો. બ્રિજની નીચેથી પસાર થતી વખતે ડ્રાઇવરે ભૂલમાં હાઇડ્રોલિક સિસ્ટમનું બટન દબાવી દેતાં પાછળની ટ્રૉલી ઊંચી થઈ ગઈ હતી અને બ્રિજ સાથે જોશભેર અથડાઈ હતી. ટ્રૉલી છતમાં ફસાઈને અટકી ગઈ હતી જેને લીધે આગળનો ડ્રાઇવરની કૅબિનનો ભાગ પણ ઊંચકાઈ ગયો હતો અને એ ડમ્પર અન્ય વાહનો માટે પણ જોખમી બની ગયું હતું.
હાઇવે પર ડમ્પર અટકી પડવાને લીધે થોડો વખત એ લેનનો ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ત્યાર બાદ હાઇવે પોલીસ અને હાઇવે ઑથોરિટીના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને ક્રેનથી એ ડમ્પર હટાવવામાં આવ્યું હતું. એ પછી ત્યાનો ટ્રાફિક નૉર્મલ થઈ શક્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થવાના અહેવાલ નથી. જોકે ટ્રાફિક જૅમમાં અટવાઈ જવાને કારણે મોટરિસ્ટોએ હાડમારી ભોગવવી પડી હતી.