હાશકારો, મરાઠીમાં બોર્ડનો અમલ મોકૂફ

06 July, 2022 07:56 AM IST  |  Mumbai | Sameer Surve

સાઇનબોર્ડ આર્ટિસ્ટની અછતને કારણે બીએમસીએ દુકાનદારોની માગણીને આખરે મંજૂર કરી લીધી છે

હાશકારો, મરાઠીમાં બોર્ડનો અમલ મોકૂફ


મુંબઈ : સાઇનબોર્ડ આર્ટિસ્ટની અછતને કારણે દુકાનદારોએ સાઇનબોર્ડ મરાઠીમાં બદલવાની સમયમર્યાદાને મોકૂફ રાખવાની માગને સુધરાઈએ મંજૂર કરી છે. એ પહેલાં વેપારીઓ અને રીટેલ અસોસિએશને નવા મુખ્ય પ્રધાનને અભિનંદન આપ્યાં હતાં. તેમણે દુકાનનાં સાઇનબોર્ડ મરાઠીમાં લખવા માટે વધુ સમયની માગ પણ મુખ્ય પ્રધાન સમક્ષ કરી હતી. સુધરાઈએ મુદતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ પહેલી જુલાઈની ડેડલાઇન હતી. 
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર આશિષ શર્માએ કહ્યું હતું કે સાઇનબોર્ડ માટેની મુદત લંબાવવાની માગ રીટેલ અસોસિએશન પાસેથી અમને મળી છે. અમે એના પર વિચાર કરી રહ્યા છીએ. બીએમસીના અધિકારીએ કહ્યું હતું કે કેટલાંક રીટેલર્સ અસોસિએશને સાઇનબોર્ડ આર્ટિસ્ટની અછતને કારણે આ વિનંતી કરી છે. વળી નવાં બોર્ડની માગ વધતાં ખર્ચમાં પણ વધારો થયો છે. 
ફેડરેશન ઑફ ધ રીટેલ ટ્રેડર ઍન્ડ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ વીરેન શાહે કહ્યું હતું કે ‘અત્યારે મોટા ભાગનાં સાઇનબોર્ડ ઇલેક્ટ્રૉનિક હોવાને કારણે ચોમાસામાં એને બદલી ન શકાય. અમે નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આની મુદત લંબાવવા વિશે વિચારણા માટે મળવા માગતા હતા. જો સુધરાઈ મુદતમાં વધારો કરે તો એ સારું જ છે.’ 
એપ્રિલના પહેલા સપ્તાહમાં સુધરાઈએ સુધારેલો સર્ક્યુલર બહાર પાડ્યો હતો, જે મુજબ મરાઠી દેવનાગરી લખેલી સ્ક્રિમપ્ટના ફોન્ટ પણ અન્ય ફોન્ટ કરતાં નાના ન હોવા જોઈએ. ફેડરેશન મુદતમાં વધારા માટે સુપ્રીમ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે. 

mumbai news mumbai