અશોક મકવાણાના મૃત્યુથી મેઘવાળ સમાજ શોકમાં સરી પડ્યો

06 January, 2020 11:23 AM IST  |  Mumbai Desk

અશોક મકવાણાના મૃત્યુથી મેઘવાળ સમાજ શોકમાં સરી પડ્યો

સાંતાક્રુઝ-વેસ્ટમાં એલ. એસ. રાહેજા કૉલેજની સામે આવેલી એમ. આર. સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષના અશોક ધુ‌ડીદાસ મકવાણા શુક્રવારે રાતે મધ્ય પ્રદેશના સાગર ‌જિલ્લામાં થયેલા ‌વિમાન-અકસ્માતમાં જીવ ગુમાવી બેઠા હતા. અશોક મકવાણા પાઇલટ-ટ્રેઇ‌નિંગ આપતા હતા અને તેમની સાથે મુંબઈમાં રહેતા તેમના ટ્રેઇનીએ પણ જીવ ગુમાવ્યો હતો. જોકે તેમના પ‌રિવારજનોનું કહેવું છે કે ૧૫ વર્ષની ક‌રીઅરમાં એકેય નાનો અકસ્માત પણ થયો નથી, પરંતુ આ વખતે ધુમ્મસને કારણે એટલો મોટો અકસ્માત સર્જાયો કે તેમણે જીવ ગુમાવવો પડ્યો. ગઈ કાલે ૮ વાગ્યે ડેડ-બૉડી તેમના ‌નિવાસસ્થાને લાવવામાં આવી હતી અને ત્યાર બાદ દત્તાત્રેય રોડ પર આવેલી સ્મશાનભૂ‌મિમાં તેમના અં‌તિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપ‌સ્થિત હતા. પ‌રિવારજનો સાથે આ સમાચાર સાંભળીને મેઘવાળ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. અશોકભાઈના પ‌રિવારના કહેવા પ્રમાણે તેઓ મેઘવાળ સમાજના પ્રથમ ‌વિમાનચાલક હતા અને સમાજને એ બદલ ગર્વ હતો.

આ બનાવ ‌વિશે અશોકભાઈના મોટા ભાઈ રમેશ મકવાણાએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણ ભાઈઓ અને એક બહેન છીએ. અશોક અને ‌કિશોર બન્નેએ લગ્ન કર્યાં નથી. અશોકની જૉબ ‌સ્થિર નહોતી અને તે સતત ‌વિ‌વિધ શહેરોમાં ફરતો હતો. મધ્ય પ્રદેશમાં તેને લગભગ અઢી વર્ષ થયાં હતાં અને એ પહેલાં તે મદ્રાસ અને ગુજરાત પણ હતો. અશોક છેલ્લાં પંદરેક વર્ષથી આ ‌ફીલ્ડમાં છે અને તેને ખૂબ સારો અનુભવ હોવાથી અને તે બીજાને પણ સારી રીતે શીખવાડી શકતો હોવાથી ટ્રેઇનર બન્યો હતો. લગભગ ચારેક વર્ષના કોર્સમાં ‌વિમાન કઈ રીતે ઉડાડવું, એ‌વિયેશનની સંપૂર્ણ ‌થિયરી પ્રૅ‌ક્ટિકલ રીતે ‌વિદ્યાર્થીઓને સમજાવવામાં આવતું હતું. કામમાં પોતાનું સર્વસ્વ આપ્યું હોવાથી તેમણે લગ્ન પણ નહોતાં કર્યાં. આટલાં વર્ષના અનુભવમાં તેમણે શાર્પ રીતે ‌વિમાનનું પ્ર‌શિક્ષણ આપ્યું છે, પરંતુ આ વખતે હવામાને તેમને સાથ ન આપ્યો અને રનવે સ્પષ્ટ દેખાયું નહીં એટલે તેમનું વિમાન ખેતરમાં તૂટી પડ્યું હતું. મધ્ય પ્રદેશના સાગર ‌જિલ્લા પાસે આવેલા ધાના ઍરપોર્ટ પાસે ઠંડી અને ધુમ્મસિયા વાતાવરણને લીધે તેમનું ‌વિમાન ‌દિશા ચૂક્યું અને પ્લેન ક્રૅશ થયું. જોકે એ સંદર્ભની મા‌હિતી આપવા એ ઍકૅડેમીના મુંબઈના સભ્યો રાતે ૩ વાગ્યે ઘરે આવ્યા હતા. નાતાલ પહેલાં બે ‌દિવસ માટે અશોક ઘરે આવ્યો હતો. એ વખતે તે ઉતાવળમાં હોવાથી ખાસ્સી કોઈ વાતો કરી શક્યા નહોતા. આ બનાવને લીધે અમારો પ‌રિવાર આઘાતમાં છે.’

mumbai news mumbai