કોરોનાને લીધે ફાલ્ગુની સહિતના પ્રોફેશનલ ધુળેટીના કાર્યક્રમ રદ

11 March, 2020 07:34 AM IST  |  Mumbai

કોરોનાને લીધે ફાલ્ગુની સહિતના પ્રોફેશનલ ધુળેટીના કાર્યક્રમ રદ

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક

મુંબઈના જ નહીં, પણ વિશ્વભરના ગુજરાતીઓને પોતાની આગવી સ્ટાઇલમાં ગીતો ગાઈને મનોરંજન પૂરું પાડતી દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના પ્રોગ્રામમાં કિડિયારું ઊભરાય છે એ જગજાહેર છે, પણ ધુળેટી નિમિત્તે આયોજિત કરાયેલા તેના રંગરેઝ પ્રોગ્રામને આ વખતે કોરોના વાઇરસ નડી ગયો. આયોજકોએ જાહેર જનતાના હિતને (સ્વાસ્થ્યને) ધ્યાનમાં રાખી આખો પ્રોગ્રામ જ કૅન્સલ કર્યો હતો. આયોજકોએ ખોટ કરીને મેદાનનું ભાડું ભર્યું હતું. એટલું જ નહીં, તેમણે જે લોકોએ બુકિંગ કરાવ્યું હતું તેમનાં નાણાં પણ રિફન્ડ કર્યાં હતાં.

ઇવેન્ટ હબ દ્વારા ગોરેગામના બાંગુરનગરમાં ફાલ્ગુની સાથે મળી રંગરેઝ મૅરથૉન અને હોલી ઉત્સવનું આયોજન કર્યું હતું. ફાલ્ગુનીનો પ્રોગ્રામ હોય તો લોકો મોટી સંખ્યામાં એમાં બુકિંગ કરાવતા હોય છે, પણ કોરોનાનો ફેલાવો થઈ શકે એવી આશંકા જતાં આખરે ઑર્ગેનાઇઝરોને એ પ્રોગ્રામ કૅન્સલ કરવો પડ્યો હતો.

આ બાબતે વધુ માહિતી આપતાં ઑર્ગેનાઇઝર હબ ઇવેન્ટના પ્રભાત કટુવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ઇવેન્ટ માટે સારો રિસ્પોન્સ મળ્યો હતો. ચાર-પાંચ દિવસ પહેલાં ૨૮૦૦થી ૩૦૦૦નું બુકિંગ પણ થઈ ગયું હતું. અમને ૬થી ૭૦૦૦ લોકો આવે એવો અંદાજ હતો. જોકે અનેક લોકો એક જગ્યાએ જમા થવાના હોવાથી કોરોના ફેલાઈ શકે એવો અંદાજ તો હતો જ. એ પછી બીએમસી તરફથી ઑનલાઇન અને ઑફલાઇન એમ સાવચેતી રાખવા માટેની નોટિસ મળી હતી. જોકે આ રીતની ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરવામાં બહુ મોટું રોકાણ પણ થતું હોય છે. એથી એ બાબતનો પણ વિચાર કરવો પડતો હોય છે. આખરે લોકોના સ્વાસ્થ્યને લક્ષ્યમાં લઈ અમે પ્રોગ્રામ કૅન્સલ કર્યો હતો.’

જે લોકોએ બુકિંગ કરાવ્યું એમનું શું? એમ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘પ્રોગ્રામ કૅન્સલ કરાયો હોવાની જાણ અમે ઘેરૈયાઓને કરી જ હતી. વળી અત્યાર સુધીમાં ૫૦ ટકા જેટલા લોકોને તેમના બુકિંગના પૈસા રિફન્ડ પણ કરી દેવાયા છે. બાકીનાને આવનારા બે-ત્રણ દિવસમાં મળી જશે.’

જાણમાં મળવા મુજબ આ જ રીતના અન્ય પ્રોફેશનલ હોલી સેલિબ્રેશન પણ બંધ રહ્યા હતા અને ઘેરૈયાઓએ હોળી-ધુળેટીની ઉજવણીના અન્ય પરંપરાગત માર્ગ અપનાવી આનંદ લૂટ્યો હતો.

coronavirus falguni pathak mumbai news