ફ્લાઇટ્સ ફુલ

24 November, 2020 08:08 AM IST  |  Mumbai | Rohit Parikh

ફ્લાઇટ્સ ફુલ

અનેક ટૂરિસ્ટ્સની ટૂર કૅન્સલ કરવાની અને ફ્લાઇટ બુક કરવાની ઈ-મેઇલથી ઇનબૉક્સ ભરાઈ ગયું છે - રિષભ દોશી, ક્લાસિક હૉલિડેઝના પાર્ટનર

મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે જાહેર કરેલી નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી)ને કારણે દિલ્હી, ગુજરાત, ગોવા અને રાજસ્થાન ફરવા ગયેલા ટૂરિસ્ટ્સમાં ફફડાટ ફેલાયો છે. નવા એસઓપી પ્રમાણે મહારાષ્ટ્રમાં ફ્લાઇટ, ટ્રેન કે રોડમાર્ગે પ્રવેશ કરનારાઓ પાસે બુધવારથી કોવિડનો નેગેટિવ રિપોર્ટ જરૂરી છે. આ એસઓપીને કારણે ગોવા અને રાજસ્થાન તથા દિલ્હી ફરવા ગયેલા ટૂરિસ્ટ્સ તેમની ટૂર ટૂંકાવીને આવતી કાલે પાછા આવવા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી રહ્યા છે. જોકે આ ટૂરિસ્ટ્સ વધુ વિમાનભાડાં આપ્યા છતાં તેમને આજની પાછા ફરવા માટેની ઍર-ટિકિટ મળતી નથી.

સાંતાક્રુઝથી સની વોરા તેના પરિવાર સાથે ત્રણ દિવસ ગોવા ફરવા ગયો હતો. તેણે તેના ટૂર-એજન્ટને ગઈ કાલે સવારે એક દિવસ માટે તેની ટૂર એક્સટેન્ડ કરવા કહ્યું હતું. જોકે સાંજે મહારાષ્ટ્ર સરકારના એસઓપીની જાહેરાત થતાં સની વોરાએ તેના ટ્રાવેલિંગ એજન્ટને આજની ફ્લાઇટની ટિકિટ બુક કરાવીને મુંબઈ પાછા ફરવાની ઇચ્છા દર્શાવી છે. 

આ બાબતે માહિતી આપતાં ગોવા માટે પ્રખ્યાત ક્લાસિક હૉલિડેઝના પાર્ટનર રિષભ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સની વોરા જેવા તો અનેક ટૂરિસ્ટ્સની ટૂર કૅન્સલ કરવાની અને ફ્લાઇટ બુક કરવા માટેની ઈ-મેઇલથી ઇનબૉક્સ ભરાઈ ગયું છે. એને પરિણામે ફ્લાઇટના ભાવ પણ એકદમ ઊંચકાઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારનો નિયમ આવતી કાલથી લાગુ પડવાનો છે એટલે ટૂરિસ્ટ્સ દિલ્હી, ગોવા અને રાજસ્થાનથી આજે જ મુંબઈ પાછા ફરવા ઇચ્છે છે. જે લોકો ડિસેમ્બરમાં ટૂર પર જવાના છે તેઓ પણ ફફડી ગયા છે. તેઓ પણ તેમની ટૂર કૅન્સલ કરવા માટે ફોન કરી રહ્યા છે.’

મુંબઈથી ફરવા ગયેલા લોકો કોઈ પણ સંજોગોમાં કોવિડ-ટેસ્ટની જંજાળમાં પડવા માગતા નથી એમ જણાવતાં અતિથિ દેવો ભવઃ હૉલિડેઝના ઋષભ પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેટલા પણ ક્લાયન્ટસના ફોન આવે છે તેઓ એક જ વાત કરી રહ્યા છે કે અમારે આજે ને આજે મુંબઈ પાછા આવી જવું છે. અમારે કોવિડ-ટેસ્ટની જંજાળમાં પડવું નથી. પહેલાં કોવિડ-ટેસ્ટ પછી ક્વૉરન્ટીનની ઝંઝટમાં પડવા કરતાં મુંબઈ પાછા ફરી જવું વધારે હિતાવહ છે. મેં ગઈ કાલે એક જ દિવસમાં ૧૦ બુકિંગ કૅન્સલ કર્યાં હતાં. આજની ફ્લાઇટ્સમાં ડબલથી વધારે ભાવ આપતાં પણ ટિકિટ મળતી નથી. જે લોકો પોતાના વેહિકલમાં ગયા છે તેઓ પણ રિટર્ન થઈ રહ્યા છે. મારા અનેક ક્લાયન્ટ્સ ડિસેમ્બરની ટૂરની તારીખો બદલાવી રહ્યા છે. સરકારની એસઓપીની જાહેરાત પછી અમે ફક્ત આ જ કામમાં બિઝી થઈ ગયા છીએ.’

mumbai mumbai news coronavirus covid19