અંધેરીમાં નશાની હાલતમાં પગ લપસતાં ૧૫મા માળેથી પટકાતાં કિશોરનું મૃત્યુ

18 April, 2020 12:27 PM IST  |  Mumbai | Faizan Khan

અંધેરીમાં નશાની હાલતમાં પગ લપસતાં ૧૫મા માળેથી પટકાતાં કિશોરનું મૃત્યુ

પ્રતિકાત્મક તસવીર

૧૭ વર્ષના એક ટીનેજરે અંધેરીની બહુમાળી ઇમારતના ૧૫મા માળેથી પડી જતાં જીવ ગુમાવ્યો હતો. મૃતકની ઓળખ જશ ગાંધી તરીકે થઈ છે. તે એફવાયજેસીનો વિદ્યાર્થી હતો અને એ જ બિલ્ડિંગના ૨૦મા માળે રહેતો હતો. ટીનેજર નશાની હાલતમાં હતો અને તેના પાડોશના ઘરમાં કામ કરતા રસોઈયા પાસેથી વધુ શરાબની માગણી કરતી વખતે તેનો પગ ફ્લોર પરથી લપસી જતાં આ દુર્ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. આંબોલી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે મૃતક ૨૨ વર્ષના શિવાનંદ ભારદ્વાજ નામના યુવક સાથે બિલ્ડિંગના ૧૫મા માળ પર આવેલા રેફ્યુજી એરિયામાં શરાબ પી રહ્યો હતો અને એ જ બિલ્ડિંગમાં રસોઈયા તરીકે કામ કરનાર ભારદ્વાજ પાસે તેણે વધુ શરાબ માગ્યો હતો. બન્ને એકમેકને ઓળખતા હતા.

‘વધુપડતો શરાબ પી લીધા બાદ જશ ભારદ્વાજ પાસે વધુ શરાબ માગતો હતો અને તેણે એમ પણ કહ્યું કે જો તું વધુ શરાબ નહીં આપે તો પોતે ઉપરથી છલાંગ મારી દેશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

ભારદ્વાજે તેને કહ્યું કે લૉકડાઉનને કારણે શરાબ નહીં મળે છતાં જશ આગ્રહ કરતો રહ્યો અને તે માળની નજીકની કિનારી પાસે ગયો અને ત્યાં ચાલવા માંડ્યો અને અચાનક નિયંત્રણ ગુમાવતાં તે ત્યાંથી પડી ગયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ બનાવ રાતે એકાદ વાગ્યે બન્યો હતો અને આ ઘટનાના સાક્ષી એવા એક આર્કિટેક્ટે એક વ્યક્તિને નીચે પટકાતો જોતાં પોલીસ બોલાવી હતી. પોલીસ તત્કાળ પહોંચી હતી અને છોકરાને હૉસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

mumbai mumbai news andheri faizan khan