ડ્રગ્સની લતે ચડેલા 3 યુવકોએ ઓલા કૅબ, મોબાઇલ અને રોકડની ચોરી કરી

21 March, 2017 06:01 AM IST  | 

ડ્રગ્સની લતે ચડેલા 3 યુવકોએ ઓલા કૅબ, મોબાઇલ અને રોકડની ચોરી કરી




ફૈસલ ટાંડેલ


ઓલા કૅબ બુક કરીને મોબાઇલ ફોન, રોકડ તથા કૅબની ચોરી કરવા બદલ શિલ-દાઇઘર પોલીસે મુમ્બ્રાના ત્રણ યુવાનોની ધરપકડ કરી છે. તેમણે કારના માલિકને માર પણ માર્યો હતો. પોતે મેફેડ્રોનના બંધાણી છે અને એ બંધાણને પોષવા માટે આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત યુવાનોએ પોલીસ સમક્ષ કરી હતી.

ફરિયાદી પ્રમોદ સુધાકર થાણેના કોલશેતમાં રહે છે. ૩૪ વર્ષના પ્રમોદ સુધાકરે ગયા ડિસેમ્બરમાં નવી હ્યુન્દાઇ ઍક્સેન્ટ કાર ખરીદી હતી અને એ કાર તે ઓલા કૅબ માટે ચલાવતો હતો. ૧૦ માર્ચે આશરે સાડાબાર વાગ્યે તેને કૅબના બુકિંગ માટે ગ્રાહક તરફથી કૉલ મળ્યો હતો.

વીસથી ૨૧ વર્ષની વયના ત્રણેય આરોપીઓ મુમ્બ્રાના કૌસાના રહેવાસી છે. કૌસામાંથી કૅબમાં બેઠા બાદ તેમણે કલ્યાણનું ભાડું કેટલું થશે એવું પૂછ્યું હતું. કૅબ કલ્યાણ ફાટા રોડ પરના કિડકલી પાસે પહોંચી ત્યારે તેમના પૈકીના એકે કુદરતી હાજત જવાનું બહાનું કરીને કૅબ રોકવા કહ્યું હતું. કારમાં પાછળ બેઠેલા અન્ય બે જણે ડ્રાઇવરનું ગળું ભીંસીને તેને કારમાંથી ઉતારી મૂક્યો હતો. તેઓ આઠ લાખ રૂપિયાની કાર, ૧૦,૦૦૦ રૂપિયાની ઘડિયાળ, ૭૦૦ રૂપિયા રોકડા, ૫૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન અને ઓલા કૅબનું ૪૦૦૦ રૂપિયાનું બુકિંગ ડિવાઇસ લઈને નાસી છૂટ્યા હતા.

આ બાબતે કેસ નોંધ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેક્નિકલ ઍનૅલિસિસ તથા મોબાઇલ ફોન ટ્રેસિંગની મદદ વડે શોધી કાઢ્યું હતું કે એ ત્રિપુટી મુમ્બ્રાની આસપાસ જ છે. ઉઠાવી જવામાં આવેલી કાર રસ્તા પરથી મળી આવી હતી અને ૧૮ માર્ચે ત્રણેય યુવાનોને પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને પોલીસ-કસ્ટડીમાં ત્રણ દિવસ રિમાન્ડ પર લેવાનો આદેશ આપ્યો હતો. પોલીસે કાર ઉપરાંત બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રીઢા ગુનેગાર નથી. તેમણે નશાના બંધાણને પોષવા માટે પહેલી જ વખત ગુનો કર્યો હતો.