મુંબઈ : રિયા ચક્રવર્તી નથી ડ્રગ્સ સિન્ડિકેટનો હિસ્સો

08 October, 2020 07:32 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈ : રિયા ચક્રવર્તી નથી ડ્રગ્સ સિન્ડિકેટનો હિસ્સો

રિયા ચક્રવર્તી

ઍક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ગઈ કાલે ભાયખલા જેલમાંથી જામીન પર છોડવામાં આ‍વી અને તેના જામીનના આદેશમાં બૉમ્બે હાઈ કોર્ટે સ્પષ્ટતા સાથે એનસીબીની એવી થિયરીને નકારી કાઢી હતી કે રિયા કોઈ ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ છે. રિયાને પાંચ શરતો પર જામીન આપવામાં આવ્યા હતા.

કોર્ટે પોતાના વિગતવાર આદેશમાં કહ્યું હતું કે, એનડીપીએસ ઍક્ટની સૌથી આકરી ૨૭-એ કલમ રિયાના કેસમાં લાગુ કરી શકાય નહીં.

રિયા ચક્રવર્તીના જામીન બૉમ્બે હાઈ કોર્ટે મંજૂર કર્યા હતા. એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ જમા કરાવવાની સાથે કોર્ટે પાંચ શરત સાથે જામીન આપ્યા હતા. પાસપોર્ટ એનસીબીમાં જમા કરાવવાની સાથે સ્પેશ્યલ એનડીપીએસ અદાલતની પરવાનગી વિના રિયા દેશ છોડી નહીં શકે. જામીન મળતાં રિયા ધરપકડ થયાના એક મહિના બાદ બહાર આવી હતી. કોર્ટની શરત મુજબ આગામી ૧૦ દિવસ સધી‌ રિયાએ તે રહે છે એની નજીકના પોલીસ સ્ટેશનમાં દરરોજ ૧૧ વાગ્યે હાજરી નોંધાવવાની રહેશે.

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે દિપેશ સાવંત અને સૅમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે આ કેસના અન્ય આરોપી અને રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. તેની સાથે અદાલતે ડ્રગ-પેડલર અબ્દુલ બાસિત પરિહારની જામીન અરજી પણ નામંજૂર કરી હતી.

હાઈ કોર્ટે રિયા તથા અન્ય બે વ્યક્તિઓના જામીન મંજૂર કરતી વખતે તેમને તેમના પાસપોર્ટ એનસીબીમાં જમા કરાવવાનો અને સ્પેશ્યલ એનડીપીએસ અદાલતની પરવાનગી વિના દેશ છોડીને ન જવાનો આદેશ આપ્યો હતો.

હાઈ કોર્ટે રિયાને એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ જમા કરવાનો હુકમ કર્યો હતો અને જુડિશ્યલ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ ૧૦ દિવસ સુધી દરરોજ સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવાની તાકીદ કરી હતી. સાથે જ કોર્ટે જામીન પર મુક્ત હોવા દરમિયાન એનસીબીની પરવાનગી વિના મુંબઈની બહાર ન જવાનો અને પુરાવા સાથે છેડછાડ ન કરવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત હાઈ કોર્ટે રિયાને આવતા છ મહિના સુધી દરેક મહિનાના પ્રથમ દિવસે સવારે અગિયાર વાગ્યે એનસીબીની ઑફિસમાં હાજરી નોંધાવવાનો આદેશ કર્યો હતો. રિયા સહિત જામીન મેળવનારા તમામે મુંબઈ બહાર જવા માટે એનસીબીના તપાસ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે.

સુશાંતસિંહ કેસ : સીબીઆઈની ટીમ મુંબઈ પહોંચી

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની કેસમાં સીબીઆઈની તપાસ થોડા સમય અટક્યા બાદ ફરી શરૂ થવાની શક્યતા છે.ઈ કાલે સીબીઆઈની ટીમ મુંબઈ આવી પહોંચી હતી. એઈમ્સનો રિપોર્ટ લીક થયા બાદ સુશાંતસિંહ રાજપૂતની હત્યા નહીં તેણે આત્મહત્યા કરી હોવાની વાતો ચાલી રહી છે ત્યારે સીબીઆઈના સૂત્રોના કહેવા મુજબ આ મામલાની તપાસ હજી પૂરી નથી થઈ. તમામ રિપોર્ટની બારીકાઈથી ચકાસણી કરાઈ રહી છે. આથી સુશાંતસિંહનું મૃત્યુ કેવી રીતે થયું હતું એની તપાસ માટે સીબીઆઈની ટીમ થોડા થોડા દિવસે મુંબઈ આવતી રહે છે.

mumbai mumbai news rhea chakraborty Crime News mumbai crime branch byculla faizan khan