01 August, 2025 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડ્રગની હેરાફેરી કરનારા બે લોકોને પકડીને પોલીસે કુલ ૨.૧૮૪ કિલો મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું છે. પકડાયેલા બે આરોપીમાંથી એક ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતો હતો અને બીજો આરોપી ઇન્ટરસ્ટેટ ટ્રાફિકિંગ લિન્ક સાથે સંકળાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બન્ને આરોપી પાસેથી જપ્ત કરાયેલા ડ્રગની કુલ કિંમત ૩,૯૭,૩૯,૭૦૦ રૂપિયા છે.
ડેપ્યુટી પોલીસ-કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે ‘પ્રખ્યાત કંપનીમાં ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતાં ઇરફાન શેખને દિવા પાસે છટકું ગોઠવીને પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી ૧.૫૨૨ કિલો મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું.’
બીજા એક કિસ્સામાં શાહરુખ મેવાસી નામના મધ્ય પ્રદેશના આરોપીને ભિવંડી-મુંબઈ ચૅનલ રોડ પરથી પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી ૬૬૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ પકડાયું હતું. આ આરોપી ઇન્ટરસ્ટેટ ટ્રાફિકિંગ લિન્ક સાથે સંકળાયેલો હોવાની પોલીસને શંકા હોવાથી તેની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.