ડ્રગ-પેડલર અજમલ તોતલાને મુંબઈ પોલીસે ઝડપી લીધો

29 November, 2021 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન અજમલ અને એક મહિલા ડ્રગ-પેડલર રુબિના નિયાઝુ શેખનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે એક કરતાં વધુ કેસ જેના નામે નોંધાયેલા છે એ ડ્રગ-પેડલર અજમલ તોતલાની ધરપકડ કરી છે. ચાલુ મહિનાના પ્રારંભે મેફેડ્રોન જપ્ત કરાયાના કેસમાં પોલીસે સાયન વિસ્તારમાંથી શુક્રવારે તેને ઝડપ્યો હોવાની જાણકારી એક અધિકારીએ રવિવારે આપી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન અજમલ અને એક મહિલા ડ્રગ-પેડલર રુબિના નિયાઝુ શેખનો ઉલ્લેખ કર્યો હતો.
૨૦ નવેમ્બરે પોલીસે ધારાવીના રહેવાસીઓ આરિફ નાસિર શેખ અને અતિક હામિદ શેખ ઉર્ફે ઇતલ્લીની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૩ ગ્રામ મેફેડ્રોન અને ૪.૧૩ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી.
એ દિવસે માહિમના એક બિલ્ડિંગ નજીક ફુટપાથ પર પાર્ક કરાયેલી એસયુવીમાં ચાર શખ્સો બેઠેલા હતા. પોલીસની ટીમને શંકા જતાં એ નજીક ગઈ એ સાથે ચારેય ભાગવા માડતાં પોલીસે બે જણને પકડી લીધા હતા.
પછીથી પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ, રોકડ, મોંઘો મોબાઇલ ફોન અને કાર જપ્ત કર્યાં હતાં. આ કેસમાં પોલીસ તોતલાને શોધી રહી હતી અને આખરે શુક્રવારે તેને પકડવામાં સફળતા મળી હતી.

Mumbai mumbai news