મુંબઈમાં કરેલી ચોરીની કમાણી સુરતની બારગર્લ પર ઉડાવી

25 October, 2012 05:18 AM IST  | 

મુંબઈમાં કરેલી ચોરીની કમાણી સુરતની બારગર્લ પર ઉડાવી



સુરતના કોસાડ ગામ પાસે ૨૪ વર્ષનો એક યુવાન દારૂના નશામાં એક બારગર્લની પર બેફામ પૈસા ઉડાવી રહ્યો હતો. વળી આ રૂપિયા તેના પોતાના નહીં, તેને નોકરીએ રાખનારાના હતા. તેની આ આદતને પરિણામે આજે તે યુવાન જેલના સળિયા પાછળ છે, કારણ કે તેણે એક મૉડલ-કમ-ઍક્ટ્રેસ આયેશા ખાનના સાડાત્રણ લાખ રૂપિયા ચોરી લીધા હતા. તેને ત્યાં તે ટેમ્પરરી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.

મૉડલિંગ ઉપરાંત અન્ય વ્યાપાર કરનારી આયેશા ખાને કોઈ પણ જાતની ચકાસણી વગર અયાન શેખને ટેમ્પરરી ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યો હતો. ૨૫ સપ્ટેમ્બરે આયેશાએ તેની સાથે જોગેશ્વરીની ઑફિસમાં જઈને ત્યાંથી સાડાત્રણ લાખ રૂપિયા લીધા હતા તેમ જ શૉપિંગ કરવા માટે ખારના એક મૉલમાં ગઈ હતી. ખાર પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પ્રશાંત મોરેએ જણાવ્યું હતું કે ‘ખાર (વેસ્ટ)માં એક મૉલ પાસે ગયા બાદ તેણે તમામ રોકડ રકમ કારમાં જ રહેવા દીધી તેમ જ ડ્રાઇવરને પોતે પાછી ન આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું, પરંતુ તે પાછી ફરી ત્યારે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આરોપી અયાન શેખ વિરુદ્ધ ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’

પ્રશાંત મોરેએ કહ્યું હતું કે ‘ડ્રાઇવરના સેલફોન દ્વારા તે ક્યાં છે એના પર પોલીસ નજર રાખી રહી હતી. તે થોડો સમય પુણે, ત્યાર બાદ ભાઈંદર તેમ જ ઘણાં અન્ય સ્થળોએ ગયા બાદ છેવટે સુરતના કોસાડ ગામ પાસે હોવાનું જાણવા મળ્યું હતું.’

બારની આદતને કારણે અંદર

ખાર પોલીસે જણાવ્યું હતું કે ‘દારૂ તથા બારગર્લની આદતને કારણે તે છેલ્લે પકડાયો. સુરતની ક્રાઇમ બ્રાન્ચના એક બાતમીદારની મદદથી તે પકડાયો. આ બાતમીદાર પણ એ જ બારમાં જતો હતો જ્યાં અયાન શેખ બેફામ રીતે બારગર્લ પર પૈસા ઉડાવતો હતો. બાતમીદારને કંઈક ગરબડ લાગતાં તેણે પોલીસને સૂચના આપી. સુરત પોલીસે તેની અટક કરતાં તેણે મુંબઈના પોતાને નોકરીએ રાખનારના રૂપિયા ચોરી કરીને નાસી ગયો હોવાનું કબૂલ્યું હતું.’

અયાન શેખને સોમવારે મુંબઈમાં લાવીને બાંદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમ જ આજ સુધીના પોલીસ-રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. સાડાત્રણ લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા તેણે ઉડાવી દીધા હતા. અન્ય કોઈ ચોરીના બનાવોમાં તે સંડોવાયેલો છે કે નહીં એની પોલીસ તપાસ કરી રહી છે.