નવી મુંબઈમાં પોલીસ-પ્લેટ ધરાવતી ઇનોવાના ડ્રાઇવરે અનેક ગાડીઓને ટક્કર મારી

09 February, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિડિયોમાં ઘણા સ્થાનિક રહેવાસીઓ કારની આસપાસ ભેગા થઈને ડ્રાઇવરને માર મારતા જોવા મળે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

નવી મુંબઈમાં ગઈ કાલે કારાવે ગામ પાસે ડેશબોર્ડ પર પોલીસ નામની નેમ-પ્લેટ ધરાવતી ઇનોવા કારના ડ્રાઇવરે કાર પૂરઝડપે અનેક વાહનો સાથે અથડાવી હતી. અકસ્માત પછી લોકોએ ડ્રાઇવરને  પકડ્યો હતો. લોકોએ એવો આક્ષપે કર્યો હતો કે તે જ્યારે પકડાયો ત્યારે દારૂના નશામાં હતો. 

મીડિયા-રિપોર્ટ્‍સ અનુસાર અકસ્માત સમયે ડ્રાઇવર ખૂબ જ નશામાં હતો. પૂરઝડપે આવેલી કારે ટૂ-વ્હીલર્સ સહિત અનેક પાર્ક કરેલાં અને રસ્તા પર જતાં વાહનોને ટક્કર મારી હતી. સદ્નસીબે કોઈને ઈજા થઈ નથી. જોકે અકસ્માતને કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું.

એક વિડિયોમાં ઘણા સ્થાનિક રહેવાસીઓ કારની આસપાસ ભેગા થઈને ડ્રાઇવરને માર મારતા જોવા મળે છે. વિડિયોમાં પોલીસ નામની નેમ-પ્લેટવાળી ઇનોવા કાર પણ દેખાઈ હતી. એટલું જ નહીં, વાહનની અંદર મુંબઈ પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર અરુણ બબન પોખરકરનું આઇડી-કાર્ડ પણ મળી આવ્યું હતું. જોકે વિડિયોમાં દેખાતો ડ્રાઇવર પોલીસના આઇડી-કાર્ડ પરના ફોટોગ્રાફ સાથે મેળ ખાતો નથી. હાલ નવી મુંબઈ પોલીસે કાર અને ડ્રાઇવરને તાબામાં લીધાં છે અને એની વધુ તપાસ ચાલી રહી  છે.

navi mumbai road accident mumbai news mumbai Crime News mumbai crime news mumbai police