ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને ડ્રાઇવરે બચાવી

20 February, 2021 09:43 AM IST  |  Mumbai | Gaurav Sarkar

ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને ડ્રાઇવરે બચાવી

તસવીર: અનુરાગ અહિરે

મંગળવારે સાંજે અંધેરી-વેસ્ટના લોખંડવાલા કૉમ્પ્લેક્સ વિસ્તારની નાલંદા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અને અપના ઘર સોસાયટી પરિસરના બોરવેલમાં આઠ વર્ષની બાળકી પડી ગઈ હતી, પરંતુ નજીકમાં જ હાજર એક ડ્રાઇવરે સમયસૂચકતા દાખવીને બોરવેલમાં કૂદીને બાળકીને બચાવી લીધી હતી. એ ઘટના બન્યા પછી સોસાયટીના રહેવાસીઓએ આ અકસ્માત માટે કમિટી મેમ્બર્સની બેદરકારીને કારણભૂત ગણાવી હતી. બીજી બાજુ કમિટી મેમ્બર્સ કહે છે કે ફ્લૅટધારકો ઇમર્જન્સી વગર રિપેરિંગ જેવી બાબતો માટે ફન્ડ આપવા ઉત્સુક નથી હોતા.

સોસાયટીના એક રહેવાસીએ નામ પ્રકાશિત ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘બોરવેલ પર ધાતુનું ઢાંકણું અકસ્માતની ઘટના બન્યા પછી ગોઠવવામાં આવ્યું છે. અગાઉ કાટ લાગવાથી નબળું પડી ગયેલું ઢાંકણું બોરવેલ પર હતું. એ ઢાંકણું રાખવાનો કોઈ અર્થ નહોતો. એની પાસે ચેતવણીરૂપ ફક્ત લાકડાનું ટેબલ રાખવામાં આવ્યું હતું. અંધારામાં જોખમ રહેતું હતું. બોરવેલ મકાનની પાછળના ભાગમાં હોવાથી સામાન્ય રીતે ત્યાં કોઈ હોતું નથી, પરંતુ મંગળવારે સાંજે એ ભાગમાં બાળકો રમતાં હતાં ત્યારે સદ્ભાગ્યે એક ડ્રાઇવર ત્યાં હાજર હતો એથી તેણે તાત્કાલિક બોરવેલમાં ઝંપલાવીને બાળકીને બચાવી લીધી હતી.’

બોરવેલમાં પડી ગયેલી બાળકીના ૩૭ વર્ષના પપ્પાએ જણાવ્યું હતું કે ‘અમે આ સોસાયટીના ફ્લૅટમાં ભાડા પર રહીએ છીએ એથી અમે કેવી રીતે આ મુદ્દે મૅનેજિંગ કમિટીને સવાલ પૂછી શકીએ? એટલે સોસાયટીમાં ફ્લૅટના માલિક અને કાયમી રહેવાસીઓએ મૅનેજિંગ કમિટી સમક્ષ આ મુદ્દે વાંધો ઉઠાવીને આવી સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ, જેથી મારી દીકરી સાથે જે બન્યું એવી દુર્ઘટના ભવિષ્યમાં અન્ય કોઈની સાથે ન બને.’

નાલંદા સોસાયટીના ચૅરમૅન ડૉ. આશિષ ગાંધીએ જણાવ્યું હતું કે ‘આગલી કમિટીએ રિપેરિંગ માટે ઍન્યુઅલ જનરલ મીટિંગમાં મંજૂર કરાયેલી રકમ કરતાં ૧૧ લાખ રૂપિયા વધારે ખર્ચ કરતાં તેમની સામે રજિસ્ટ્રાર ઑફિસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એ કેસને કારણે એ કમિટીને હટાવવામાં આવી હતી. નવી કમિટીમાં મને ચૅરમૅન તરીકે અને આશિષ પારાશરને સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં અનેક બાબતોમાં અસંમતિ અને ઝઘડા છે. અમે રિપેર કે મેઇન્ટેનન્સ માટે કોઈ પણ નિર્ણય લઈએ તો સોસાયટીના ઘણા સભ્યો પૈસા આપવાનો ઇનકાર કરે છે. એ લોકો કમિટીને કામ કરવા દેતા નથી અને અમને રાજીનામું આપવાનું કહે છે. ઇમર્જન્સી ન ઊભી થાય ત્યાં સુધી તેઓ કોઈ પણ કામ માટે ફન્ડ આપતા નથી. બોરવેલ પર ઢાંકણું ગોઠવવાની દરખાસ્ત નવેમ્બર મહિનામાં મૂકવામાં આવી હતી. ત્રણ મહિનામાં એ કામ થઈ જવું જોઈતું હતું.’

mumbai mumbai news andheri lokhandwala gaurav sarkar