હવે અબુ સાલેમને થયો મલેરિયા

24 November, 2012 07:14 AM IST  | 

હવે અબુ સાલેમને થયો મલેરિયા




(વિનોદકુમાર મેનન)

મુંબઈ, તા. ૨૪

ભારતમાં પ્રત્યાર્પણ કરાયેલા ગૅન્ગસ્ટર અબુ સાલેમને મલેરિયા થયો છે, પરંતુ રાજ્ય સરકાર સંચાલિત જે. જે. હૉસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં ઍડ્મિટ થવાનો તેણે ઇનકાર કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી નવી મુંબઈની તલોજા જેલમાં હાઈ સિક્યૉરિટી સેલમાં તેને મૂકવામાં આવ્યો છે. જોકે એનાથી મુંબઈ તથા રાજ્યની અન્ય જેલોની પરિસ્થિતિનો ચિતાર નજરે પડે છે. થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના આતંકવાદી અજમલ કસબને ડેંગી થયો હોવાના રિપોર્ટ આવ્યા હતા. એ ઉપરાંત ૨૧ નવેમ્બરે યેરવડા જેલમાં તેને ફાંસીએ ચડાવ્યો એના થોડા દિવસ પહેલાં પણ તેને મલેરિયા થયો હતો એવો રિપોર્ટ આવ્યો હતો.

શુક્રવારે સવારે ભારે સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે અબુ સાલેમને તાવ હોવાથી હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની બ્લડ-ટેસ્ટ કરાવતાં પ્લાસમોડિયમ વિવાક્સ મલેરિયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે અબુ સાલેમે પ્રિઝન વૉર્ડને બદલે અન્ય વૉર્ડમાં શિફ્ટ કરવાની માગણી કરી હતી. અગાઉ એક ગુનેગાર જે. જે. હૉસ્પિટલમાંથી ભાગી ગયો હોવાથી અબુ સાલેમની વિનંતીને માન્ય રાખવામાં નહોતી આવી.

તલોજા જેલના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘તલોજા તથા ખારઘરમાં મલેરિયા સામાન્ય બાબત છે. જેલમાં મલેરિયા વિરુદ્ધની દવાનો છંટકાવ કરવામાં આવતો હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફરક નથી પડતો. આસપાસ ઘણી જગ્યાએ નવાં કન્સ્ટ્રક્શનની પ્રવૃત્તિ ચાલતી હોવાથી મચ્છરોનો ભારે ઉપદ્રવ છે.’

જે. જે. = જમશેદજી જીજીભોય