નાલાસોપારાના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના પરિવારમાં ડબલ ટ્રૅજેડી

30 August, 2020 07:18 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

નાલાસોપારાના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના પરિવારમાં ડબલ ટ્રૅજેડી

તળાવમાં ડૂબી ગયેલા પિતા-પુત્રને શોધવાનો પ્રયાસ કરી રહેલા ગામવાસીઓ.

નાલાસોપારામાં રહેતા અને કચ્છના માંડવી તાલુકાના બાડા ગામના વતની એવા કચ્છી વીસા ઓસવાળ જૈન પરિવારના પિતા-પુત્રના ગામના તળાવમાં ડૂબી જઈને મૃત્યુ થવાની આઘાતજનક ઘટના શુક્રવારે બની હતી. પિતાનો મૃતદેહ ત્રણ કલાક બાદ તો પુત્રનો મૃતદેહ બીજા દિવસે ૨૭ કલાક બાદ હાથ લાગ્યો હતો. પિતા તળાવને કિનારે કપડાં ધોવા ગયા હતા, જ્યારે પુત્ર તરવાનું શીખતો હતો ત્યારે ડૂબવા માંડ્યો હતો. પુત્રને ડૂબતો જોઈને તેને બચાવવા જતા પિતા પણ બહાર નહોતા નીકળી શક્યા. પિતા-પુત્ર ચાતુર્માસ ગાળવા માટે બે મહિનાથી ગામમાં જ રહેતા હતા. બનાવની જાણ થતાં કચ્છી જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળેલી માહિતી મુજબ નાલાસોપારામાં રહેતા કચ્છી જૈન ૬૦ વર્ષના શાંતિલાલ ખેરાજ ગડા નિવૃત્ત હતા, જ્યારે તેમનો ૨૪ વર્ષનો પુત્ર હર્ષ કૉલેજમાં ભણતો હતો. લૉકડાઉન હોવાથી તેમ જ ચાતુર્માસ ચાલી રહ્યો હોવાથી તેઓ આજથી બે મહિના પહેલાં માંડવી તાલુકામાં આવેલા બાડા ગામમાં જતા રહ્યા હતા.

બાડા જૈન સમાજના પ્રમુખ કીર્તિભાઈ સાવલા અને ગામના સરપંચ વિરામ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાંતિલાલભાઈ બપોરે બે વાગ્યે પુત્ર હર્ષ સાથે બાડા ગામના ૧૭ એકરમાં ફેલાયેલા તળાવમાં કપડા ધોવા ગયા હતા. પુત્ર હર્ષ તરવાનું શીખતો હતો એટલે તે થર્મોકોલનો ટુકડો પકડીને તરતો હતો. તળાવ ૩૬ ફૂટ ઊંડું છે. હર્ષ ઊંડા પાણીમાં હતો ત્યારે તેના હાથમાંથી થર્મોકોલ છૂટી જતાં તે ડૂબવા માંડ્યો હતો. પિતાને તરતા આવડતું હોવાથી તેઓ પુત્રને બચાવવા તળાવમાં કૂદ્યા હતા. જોકે પુત્રને બચાવવા જતાં તેઓ પણ ડૂબી ગયા હતા. સાંજે છ વાગ્યે શાંતિલાલ ગડાનો મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયો હતો. મુંબઈથી તેમના પરિવારજનો બાડા પહોંચ્યા બાદ તેમની બપોરે અંતિમક્રિયા કરાઈ હતી.’

કીર્તિભાઈ સાવલાએ વધુમાં જણાવ્યું હતું કે ‘ચાર-પાંચ કલાક બાદ રાત થઈ જતાં હર્ષનો મૃતદેહ શોધવાનું કામ શુક્રવારે બંધ કરી દેવાયું હતું. બીજા દિવસે સ્થાનિકોએ ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેનો મૃતદેહ હાથ ન લાગતા ૬૦ કિલોમીટર દૂર ભુજ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને બોલાવાઈ હતી. આ ટીમના જવાનોએ સાંજે પાંચ વાગ્યે હર્ષના મૃતદેહને તળાવમાંથી શોધીને બહાર કાઢ્યો હતો. તે તળાવની અંદરના કાદવમાં ખૂંપી ગયો હતો.’

શાંતિલાલ ગડાનો મૃતદેહ શુક્રવારે સાંજે તળવામાંથી હાથ લાગ્યો હતો, પરંતુ તેમના પરિવારજનો મુંબઈમાં રહેતા હોવાથી તેઓ બાડા ગામ પહોંચ્યા બાદ તેમની બપોરે અંતિમક્રિયા કરાઈ હતી, જ્યારે સાંજે પાંચ વાગ્યે તળાવમાંથી બહાર કાઢેલા હર્ષના મૃતદેહની અંતિમક્રિયા મોડી સાંજે માંડવીમાં કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પિતા-પુત્રના આવી રીતે મૃત્યુ થવાથી જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

mumbai mumbai news prakash bambhrolia nalasopara