એમએમઆરમાં ૧૫ દિવસમાં કેસ ડબલ

09 July, 2020 08:23 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

એમએમઆરમાં ૧૫ દિવસમાં કેસ ડબલ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના અન્ય શહેરોમાં પખવાડિયામાં કોરોના કેસનું પ્રમાણ બમણું થતાં વૃદ્ધિદર લાલબત્તી સમાન થયો છે. કોરોના ઇન્ફેક્શનના ઍક્ટિવ કેસનું પ્રમાણ મુંબઈની સરખામણીમાં ૫૦ ટકા વધારે છે. આ સ્થિતિમાં અન્ય શહેરોમાં લૉકડાઉનની મુદત લંબાવવા વિશે રાજ્ય સરકાર આજે નિર્ણય લેશે.
એમએમઆરનાં ચાર શહેરો લૉકડાઉનમાં છે અને ચાર શહેરોના કમિશનર્સ બે અઠવાડિયાં પહેલાં બદલાયા છતાં કેસના વૃદ્ધિદરમાં કોઈ ફેર પડ્યો નથી. હાલ કેસનો ડબલિંગ રેટ મુંબઈમાં ૪૫ દિવસોનો છે અને એમએમઆરનાં અન્ય શહેરોમાં ૧૫ દિવસનો છે. એમએમઆરમાં ૨૨ જૂને ઍક્ટિવ કેસની સંખ્યા ૧૬,૯૨૯ હતી અને ૭ જુલાઈએ કેસની સંખ્યા ૩૫,૫૪૧ નોંધાઈ હતી.
મુંબઈ સિવાયનાં શહેરોમાં લૉકડાઉન ફરી લાગુ કરવા અને વધારવા વિશે મહારાષ્ટ્રના એડિશનલ ચીફ સેક્રેટરી એસ. જે. કુંટેએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉન ખૂલ્યા પછી લોકો કોઈ ખચકાટ વગર હરવાફરવા માંડ્યા અને સમૂહમાં મળવા માંડ્યા હતા, એથી કોરોના વાઇરસનો પ્રસાર ઝડપથી થવા માંડ્યો. લૉકડાઉન વાસ્તવિક રૂપે વાઇરસ અને રોગચાળાનો ફેલાવો અટકાવે છે. એથી સંબંધિત શહેરો તથા વિસ્તારોમાં લૉકડાઉન ફરી લાગુ કરવાની વિચારણા ચાલે છે.’

mumbai news mumbai prajakta kasale