હવે મરીન લાઇન્સમાં થયો ડબલ પાર્કિંગનો પ્રોબ્લેમ

29 November, 2012 09:01 AM IST  | 

હવે મરીન લાઇન્સમાં થયો ડબલ પાર્કિંગનો પ્રોબ્લેમ



મરીન લાઇન્સ-ઈસ્ટના મહર્ષિ રોડ પર આવેલા આયકર ભવન સામે ૯ જુલાઈએ સ્કૂલથી છૂટેલી ત્રણ વર્ષની કાવ્યા હેમંત બિનાનીનું રસ્તો ક્રૉસ કરતી વખતે મૃત્યુ થયું હતું એ કાવ્યાની બ્લૉસમ્સ સ્કૂલ સામે હવે એક નવી સમસ્યા બહાર આવી છે અને એ છે ડબલ પાર્કિંગની. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના પેરન્ટ્સે આક્ષેપ કરતાં કહ્યું હતું કે સ્કૂલની સામે સુધરાઈ દ્વારા મોટરસાઇકલો માટે બનાવવામાં આવેલું જોખમદાયક પે ઍન્ડ પાર્ક બંધ કરાવવું જોઈએ, કારણ કે એને કારણે આ રસ્તા પર અકસ્માતની સંભાવના વધી ગઈ છે. આ પાર્કિંગને લીધે લગભગ ૧૫૦૦ સ્ટુડન્ટ્સના જીવ સુધરાઈએ જોખમમાં મૂકી દીધા છે. હાલમાં ૨૨૪ નંબરની શાખાના શિવસેનાના નગરસેવક ગણેશ સાનપ અને નગરસેવિકા બિના દૌંડકર સુધરાઈને લેટર લખી આ પાર્કિંગ હટાવવા વિનંતી કરી છે.

બ્લૉસમ્સ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતા હિતની મમ્મી મીનલ શાહે કહ્યું હતું કે ‘પાર્કિંગની સમસ્યાને કારણે અમે કંટાળી ગયાં છીએ. સ્કૂલની સામે જ લોકો કાર પાર્ક કરે છે અને એને કારણે બાળકને ઘરે લઈ જવું અમારા માટે ઘણું મુશ્કેલ બને છે. અહીંથી પાર્કિંગની સમસ્યા જલદી જ દૂર થવી જોઈએ.’

આ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતા આદેશની મમ્મી હેતલ લાવરીએ કહ્યું હતું કે ‘આ રસ્તો ઘણો સાંકડો છે અને પાર્કિંગને કારણે એ બ્લૉક થઈ જાય છે. સ્કૂલ છૂટે ત્યારે આ રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક જૅમ થાય છે. મારા ખ્યાલથી સુધરાઈએ સિંગલ પાર્કિંગની પરવાનગી આપી છે, પણ અહીં તો ડબલ પાર્કિંગ થઈ રહ્યાં છે અને ચાલવાનો તો રસ્તો જ નથી મળતો.’

નગરસેવક ગણેશ સાનપે કહ્યું હતું કે ‘આ સ્કૂલમાં ભણતી ત્રણ વર્ષની કાવ્યા બિનાનીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એને ધ્યાનમાં લેતાં અમારા માટે આ ઘણી ગંભીર સમસ્યા છે. અમે સુધરાઈને આ સંદર્ભે લેટર મોકલ્યો છે અને જલદી આ સમસ્યાનો હલ કાઢવામાં આવશે.’