આજે વૅક્સિનેશન માટે ઉતાવળ ન કરતા

01 March, 2021 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વૅક્સિનેશન માટે ઉતાવળ ન કરતા

ફાઈલ તસવીર

વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકો માટે બીએમસી આજથી પૂરી તૈયારી સાથે રસીકરણ શરૂ કરવા જઈ રહી છે. બીએમસીએ માત્ર પાંચ કોવિડ સેન્ટર અને ત્રણ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં રસીકરણ કરવામાં આવશે એવી જાહેરાત કરતાં લોકોને રજિસ્ટ્રેશન-પ્રક્રિયા માટે કોવિન પૉર્ટલ સરળતાથી કામ કરતું ન થાય ત્યાં સુધી રસી લેવાની ઉતાવળ ન કરવાની અપીલ કરી છે.

કેન્દ્ર સરકારના આદેશને પગલે ૧ માર્ચથી કોવિડ-19ના રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના લોકો તેમ જ ૪૫થી ૫૯ વર્ષની વયના અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. જોકે ‘મિડ-ડે’ના રિપોર્ટરે અગાઉ જણાવ્યું હતું એ મુજબ વૅક્સિનેશનની તૈયારીમાં સમય લાગશે અને પહેલા જ દિવસથી રસી આપવાની શરૂઆત નહીં થાય.

શહેરમાં ૪૦ વૅક્સિનેશન સેન્ટર હોવા છતાં ત્રીજા તબક્કાનું રસીકરણ પાંચ કોવિડ સેન્ટર અને ત્રણ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે. બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના આદેશ મુજબ આજે સવારે ૯ વાગ્યે કોવિન ઍપ લૉન્ચ થયા બાદ શહેરના નાગરિકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. જાહેર આરોગ્ય યોજના તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય વીમા યોજનાનો અમલ કરતી હોય એવી પ્રાઇવેટ હૉસ્પિટલોને રસીકરણના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે.

૪૫થી ૫૯ વર્ષની વયજૂથના ૨૦ રોગોની સૂચિ કો-મોર્બિડિટી માટે નક્કી કરવામાં આવી છે. આ ૨૦ રોગ ધરાવતા નાગરિકોએ રજિસ્ટર્ડ ડૉક્ટર પાસેથી પ્રમાણિત કરેલું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, જ્યારે ૬૦ કરતાં વધુ વયના લોકોએ તેમની વય પ્રમાણિત કરવા ઑફિસ, આધાર કાર્ડ, પૅન કાર્ડ, વોટર્સ આઇડી વગેરે રજૂ કરવાં પડશે.

કઈ-કઈ જગ્યાએ વૅક્સિનેશન?

પાલિકા સંચાલિત કેન્દ્રો

બીકેસી જમ્બો કોવિડ સેન્ટર - બાંદરા

મુલુંડ જમ્બો કોવિડ સેન્ટર - મુલુંડ

નેસ્કો જમ્બો કોવિડ સેન્ટર - ગોરેગામ

સેવન હિલ્સ હૉસ્પિટલ - અંધેરી

દહિસર જમ્બો સેન્ટર - દહિસર

પ્રાઇવેટ હૉસ્પિટલો

એચ. જે. દોશી હિન્દુસભા હૉસ્પિટલ-ઘાટકોપર

કે. જે. સોમૈયા મેડિકલ કૉલેજ - સાયન

એસઆરસીસી ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ - મહાલક્ષ્મી

mumbai mumbai news coronavirus covid19