ડિમ્પલ, ટ્વિન્કલ અને અક્ષયકુમાર આરોપમુક્ત

10 April, 2015 03:44 AM IST  | 

ડિમ્પલ, ટ્વિન્કલ અને અક્ષયકુમાર આરોપમુક્ત




બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની કહેવાતી લિવ-ઇન પાર્ટનર અનીતા અડવાણીએ રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, દીકરી ટ્વિન્કલ તથા જમાઈ અક્ષયકુમાર સામે કરેલી ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ મુંબઈ હાઈ કોર્ટે ફગાવી દીધી છે.

અનીતાની ફરિયાદને આધારે નીચલી કોર્ટમાં શરૂ કરવામાં આવેલી પ્રોસીડિંગ્સ રદબાતલ કરવા બાબતની ડિમ્પલ, ટ્વિન્કલ અને અક્ષયકુમારની અરજીઓ હાઈ કોર્ટના જસ્ટિસ એમ. એલ. તાહિલિયાણીએ દાખલ કરી છે. રાજેશ ખન્નાની એક દીકરી રિન્કી લગ્ન બાદ કલકત્તામાં સાસરે રહેતી હોવાથી કોર્ટે તેની સામે ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ નિરર્થક હોવાનું જણાવતાં તેને અગાઉ આ કાર્યવાહીમાંથી મુક્ત કરી હતી.

જસ્ટિસ તાહિલિયાણીએ જણાવ્યું હતું કે ‘અનીતા અડવાણીના રાજેશ ખન્ના સાથેના સંબંધો લગ્નગ્રંથિથી જોડાયેલા દામ્પત્યના નહોતા. એથી એ ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ કરીને એ કાયદા હેઠળ કોર્ટ પાસે રાહત માગી ન શકે. વળી અનીતા અડવાણી ક્યારેય રાજેશ ખન્નાના કુટુંબીજનો સાથે રહી નથી એટલે તે કુટુંબીજનોને પ્રોસીડિંગ્સમાં ખેંચી ન શકાય.’

હાઈ કોર્ટે આ ઑર્ડર આપતાંની સાથે જ અનીતાના વકીલોએ એ ઑર્ડર પર સ્ટે માગ્યો હતો, પરંતુ જસ્ટિસ તાહિલિયાણીએ સ્ટે ઑર્ડર આપવાનો ઇનકાર કર્યો હતો. અનીતાએ વર્ષ ૨૦૧૩માં ડોમેસ્ટિક વાયલન્સની ઉપરોક્ત અરજી કરી હતી. અનીતાએ રાજેશ ખન્નાના મૃત્યુ બાદ તેને રાજેશ ખન્નાના આર્શીવાદ બંગલામાંથી બળજબરીથી કાઢી મૂકવામાં આવી હોવાનો દાવો કરતાં ભરણપોષણ અને બાંદરા વિસ્તારમાં ત્રણ બેડરૂમના ફ્લૅટની માગણી કરી હતી.