ટ્રેનમાં સૂતા એ સૂતા, પછી જાગ્યા જ નહીં

10 February, 2021 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેનમાં સૂતા એ સૂતા, પછી જાગ્યા જ નહીં

પીયૂષ વલ્લભજી છાડવા

ડોમ્બિવલીના નવનીતનગરમાં રહેતા અને દાદરની ઘડિયાળની એક પ્રતિષ્ઠિત દુકાનમાં નોકરી કરતા કચ્છી વીસા ઓસવાળ જૈન ૪૫ વર્ષના પીયૂષ વલ્લભજી છાડવાને ટ્રેનમાં ઊંઘમાં જ હાર્ટ-અટૅક આવી જતાં તેનું અવસાન થયું હતું. પીયૂષના અચાનક અવસાનથી તેમના પરિવારજનોનો યાત્રાપ્રવાસનો આનંદ છીનવાઈ ગયો હતો. ચાર કલાક પહેલાંની હસીખુશી ગમગીનીમાં પરિવર્તિત થઈ ગઈ હતી.

પીયૂષના મધરને લકવો થયો હોવાથી તેઓ પોતાની દીકરી સાથે ભાયખલામાં રહેતાં હોવાથી ગઈ કાલે પીયૂષની અંતિમયાત્રા તેની બહેનના ઘરેથી નીકળી હતી.

પીયૂષ છાડવા તેમના પરિવારજનો અને સ્વજનોની સાથે પહેલી ફેબ્રુઆરીએ જૈનોના બિહારમાં આવેલા તીર્થ સમેતશિખરજીના યાત્રાપ્રવાસે સમેતશિખર પહોંચ્યો હતો. ત્યાં તેણે સૌની સાથે કોઈ પણ જાતની કાર્ડિઍક ફરિયાદ કર્યા વગર જ પૂરા ભાવપૂર્વક ચાલીને સમેતશિખર પર્વતની યાત્રા કરી હતી. પીયૂષ છાડવાના પરિવારજનોએ ૭ ફેબ્રુઆરીએ ખૂબ જ ધાર્મિક ભાવ અને શાંતિપૂર્વક યાત્રા પૂર્ણ થયાના ઉમંગ સાથે મુંબઈ પાછા ફરવા મોડી રાતના ટ્રેન પકડી હતી. ટ્રેનમાં પણ સૌએ સાથે મળીને મોડે સુધી મોજમસ્તી કરીને યાત્રાને વાગોળતાં અંદાજે ૧૨.૩૦ વાગ્યે સૂઈ ગયા હતા.

આ બાબતની માહિતી આપતાં પીયૂષના ભાઈ વિશાલ છાડવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતના બધા જ સૂઈ ગયા હતા. સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યે અમારું પીયૂષ પર ધ્યાન જતાં તેનું અવસાન થયું હોય એવું લાગ્યું હતું. આથી અમે પ્રયાગરાજ સ્ટેશન પર તેની ડેડ-બૉડી લઈને ઊતરી ગયા હતા. ત્યાં સ્ટેશનના ડૉક્ટરે પીયૂષને મૃત જાહેર કર્યો હતો. ત્યાર પછી અમે પરિવારના ચાર સભ્યો પીયૂષની ડેડ-બૉડીને પ્રયાગરાજ સ્ટેશનથી ઍમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ આવ્યા હતા. મારાં લકવાગ્રસ્ત મધર મારી બહેનને ત્યાં હોવાથી અમે પીયૂષની અંતિમયાત્રા મારી બહેનના ઘરેથી ગઈ કાલે સાંજના કાઢી હતી. પીયૂષના મૃત્યુના સમાચાર સાંભળીને મારી મધરને ખૂબ જ આઘાત લાગ્યો હતો. પીયૂષને કાર્ડિઍક બીમારીની કોઈ ફરિયાદ નહોતી. યાત્રાપ્રવાસ અને ડુંગર પર પણ તેણે ખૂબ જ શાંતિ અને સમતાપૂર્વક યાત્રા કરી હતી.’

mumbai mumbai news dombivli