09 May, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષલ લેલે
ભારતે મંગળવારે મોડી રાત્રે ઑપરેશન સિંદૂર હેઠળ ઍર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના અડ્ડા ઉડાવી દીધા હતા એ વિશે પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ડોમ્બિવલીના ટૂરિસ્ટોની ફૅમિલીએ ગઈ કાલે પ્રતિક્રિયા આપી હતી. જીવ ગુમાવનારા સંજય લેલેના પુત્ર હર્ષલે કહ્યું હતું કે ‘ભારતે સિંદૂર ઍર સ્ટ્રાઇક કરીને લીધેલા બદલાથી હું સંતુષ્ટ છું. મારા પિતાના આત્માને હવે શાંતિ મળી હશે. પહલગામના આતંકવાદી હુમલામાં મેં પિતાની સાથે કાકા અતુલ મોને અને હેમંત જોશીને ગુમાવ્યા છે. આતંકવાદીઓએ તેમની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવો બદલો લેશે એવી અમને અપેક્ષા હતી. આતંકવાદીઓ સામે આવી વધુ કાર્યવાહી થવી જોઈએ.’
અતુલ મોનેનાં પત્ની અનુષ્કાએ કહ્યું હતું કે ‘પતિની કમી ક્યારેય પૂરી નહીં થાય. આર્મીએ આતંકવાદીઓને જબરદસ્ત જવાબ આપ્યો છે એ પહલગામમાં જીવ ગુમાવનારાઓને સાચી શ્રદ્ધાંજલિ છે. આતંકવાદીઓએ એક હિન્દુસ્તાની પર નહીં, ભારતના આત્મા પર હુમલો કર્યો હતો. ભારતે આ લોકોને તેમની જગ્યા બતાવી દીધી છે. ઑપરેશન સિંદૂર વિશે રાજકારણ ન કરવું જોઈએ. આ રાષ્ટ્રીય સુરક્ષા અને ગૌરવનો વિષય છે.’
સિંદૂર ભૂંસનારા લોકો પરની ઍર સ્ટ્રાઇક યોગ્ય શ્રદ્ધાંજલિ
પહલગામના આતંકવાદી હુમલામાં પુણેના સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેએ જીવ ગુમાવ્યો હતો. સંતોષ જગદાળેનાં પત્ની પ્રગતિએ ઑપરેશન સિંદૂર બાદ કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર દ્વારા પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને યોગ્ય રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે આ ઑપરેશન કરવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. વડા પ્રધાને અમારી પીડા અને ભાવના સમજી છે એ માટે હું તેમની આભારી છું. બાવીસમી એપ્રિલે આતંકવાદીઓએ અમારા કપાળનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું, પણ આપણી આર્મીએ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે એનો મને આનંદ છે. મને વિશ્વાસ હતો કે સરકાર આતંકવાદીઓને જબરદસ્ત જવાબ આપશે.’
કૌસ્તુભ ગણબોટેનાં પત્ની સંગીતાએ કહ્યું હતું કે ‘પહલગામના આતંકવાદી હુમલાનો ભારત ક્યારે બદલો લેશે એની અમે બધા રાહ જોતા હતા. આજે ભારતની આર્મીએ ઑપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને હુમલો કરીને જબરદસ્ત જવાબ આપ્યો છે એ જાણીને ખૂબ આનંદ થયો છે.’