ફ્રેન્ડની છેડતી રોકવાના પ્રયાસમાં જીવ ગુમાવનાર ટીનેજર માટે આજે કૅન્ડલમાર્ચ

09 December, 2012 07:45 AM IST  | 

ફ્રેન્ડની છેડતી રોકવાના પ્રયાસમાં જીવ ગુમાવનાર ટીનેજર માટે આજે કૅન્ડલમાર્ચ



ડોમ્બિવલી (ઈસ્ટ)ના નવનીતનગર કૉમ્પ્લેક્સમાં ટીનેજરો દ્વારા કૉમ્પ્લેક્સમાં જ રહેતી એક છોકરીની છેડતી કરવાના મુદ્દે તેમનો સામનો કરનાર ૧૯ વર્ષના સંતોષ વીંછીવોરાની તે ટીનેજરોએ સોમવારે હત્યા કરી હતી. ડોમ્બિવલી માનપાડા પોલીસે આ કેસના પાંચ આરોપીઓને પકડી લીધા છે, જેમાંથી ચાર સગીર વયના છે. આજે સંતોષને શ્રદ્ધાંજલિ આપવા નવનીતનગરમાં સાંજે સાડાચારથી સાડાપાંચ વાગ્યા દરમ્યાન શોકસભા અને ત્યાર પછી આસપાસના વિસ્તારોમાં કૅન્ડલમાર્ચ યોજવામાં આવશે. 

કચ્છી વીસા ઓસવાળï જ્ઞાતિના સંતોષ વીંછીવોરાએ છેડતી કરી રહેલા ટીનેજર ટપોરીઓનો સામનો કરતાં તેનું મૃત્યુ થયું હોવાથી નવનીતનગર સહિત આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આજે તેની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે વધુ માહિતી આપતાં નવનીતનગરના રહેવાસી ખુશાલ નાગડાએ કહ્યું હતું કે ‘નવનીતનગર નવ બિલ્ડિંગનું કૉમ્પ્લેક્સ છે. એના કમ્પાઉન્ડમાં જ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવ્યો છે. સાંજે સાડાચારથી સાડાપાંચ વાગ્યા દરમ્યાન શ્રદ્ધાંજલિ આપ્યા પછી અમે છ વાગ્યે કૅન્ડલમાર્ચનું પણ આયોેજન કયુંર્ છે. એમાં અમે સંતોષની હત્યા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માગણી કરવાના છીએ. આ કૅન્ડલ માર્ચ દેસલપાડાના નવનીતનગરથી શરૂ થઈ ભદ્રા કૉમ્પ્લેક્સ અને

લોઢા હેરિટેજ થઈને ગજાનન ચોક જશે અને ત્યાંથી એ જ રૂટ પર પાછી ફરી નવનીતનગર પૂરી થશે. આ ઉપરાંત અમે માનપાડા પોલીસ-સ્ટેશનમાં અમારા વિસ્તારમાં મહિલાઓ અને છોકરીઓની છેડતી ન થાય અને સુરક્ષા જળવાઈ રહે એ માટે એક બીટ ચોકી ઊભી કરવા પણ નિવેદન આપવાના છીએ.’