ડોમ્બિવલીનો ૪૦ વર્ષનો પુરુષ ડેટિંગ કરવા ગયો એમાં છેતરાયો

28 August, 2026 05:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેટિંગ ઍપ પરથી ઘરે બોલાવેલો પાર્ટનર સાડાચાર તોલાની ચેઇન ચોરી ગયો

વિષ્ણુનગર પોલીસે ધરપકડ કરેલો આરોપી.

ડોમ્બિવલી-વેસ્ટમાં રહેતા ૪૦ વર્ષના પુરુષના ઘરમાંથી સાડાચાર તોલાની ચેઇન ચોરવાના આરોપસર વિષ્ણુનગર પોલીસે ૩૨ વર્ષના પ્રવીણ બોચરેની ધરપકડ કરી છે. ફરિયાદીએ ડેટિંગ ઍપ્લિકેશન દ્વારા આરોપીનો સંપર્ક કર્યો હતો અને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો. આરોપી ત્યાંથી ગયા બાદ ફરિયાદીએ તપાસ કરતાં ઘરમાંથી આશરે સાડાચાર તોલાની સોનાની ચેઇન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની શરૂઆતમાં વ્યક્તિગત બાબત હોવાને કારણે ફરિયાદી પોલીસ-ફરિયાદ નોંધાવવામાં સંકોચ અનુભવી રહ્યો હતો. જોકે પછી મિત્રોની મદદ અને માર્ગદર્શનથી તેણે હિંમત બતાવીને વિષ્ણુનગર પોલીસ-સ્ટેશને પહોંચીને સમગ્ર આપવીતી જણાવી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ કરીને પુરાવા એકઠા કર્યા હતા અને આરોપી પ્રવીણ બોચરેની ધરપકડ કરી હતી.

આરોપીની ધરપકડ બાદ પોલીસતપાસ દરમ્યાન આવી જ પદ્ધતિથી કરવામાં આવેલી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આથી પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આરોપીએ અન્ય કેટલા લોકોને આ રીતે પોતાનો શિકાર બનાવ્યા છે. વિષ્ણુનગર પોલીસ હાલ આરોપીના અન્ય ગુનાહિત ઇતિહાસ અને સમાન કેસોમાં તેની સંડોવણી વિશે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી 
રહી છે.

mumbai news mumbai dombivli Crime News mumbai crime news mumbai police