ઈશ્વરની શ્રદ્ધામાંય બંધન? લડી લઈશું

25 May, 2022 07:57 AM IST  |  Mumbai | Rohit Parikh

ભગવાનના નામથી બિઝનેસ કરવો એ શ્રદ્ધાનો વિષય છે, એના પર કોઈ જ રોક લગાવી શકે નહીં એવી દલીલ સાથે રેસ્ટોરાં અને બારના માલિકો તેમનાં એસ્ટૅબ્લિશમેન્ટનાં નામ બદલવાના મુદ્દે પહેલાં તો સરકારને હાથ જોડીને વિનંતી કરશે,

રેસ્ટોરાં અને બારને અપાયેલાં આવાં નામ બદલી નાખવાની સરકારે ચેતવણી આપી છે. આ છે એક ફાઇલ તસવીર.


મુંબઈ : બીએમસીએ તાજેતરમાં એક આદેશ બહાર પાડીને કહ્યું છે કે દારૂનું વેચાણ કરતી દુકાનોનાં નામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ કે કિલ્લાનાં નામ પર ન રાખવાં જોઈએ. જે શરાબની દુકાનો કે રેસ્ટોરાં-બાર પર આવાં નામ પહેલેથી જ રાખવામાં આવ્યાં હોય એમણે ૩૦ જૂન સુધીમાં એમના નામમાં જરૂરી ફેરફાર કરવાના રહેશે. 
આ આદેશનો ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર)એ વિરોધ કર્યો છે. આ અસોસિએશનના કહેવા પ્રમાણે આ કાયદાનો નવા ખૂલી રહેલા રેસ્ટોરાં અને બાર પર અમલ કરવો ઉચિત છે, પણ વર્ષોથી ચાલી રહેલા રેસ્ટોરાં-બાર અને દારૂની દુકાનો માટે નામ બદલવા એટલે બિઝનેસ બંધ કરવા સમાન છે. અમે આ બાબતની રજૂઆત બીએમસીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરી છે. ટૂંક સમયમાં અમે રાજ્ય સરકાર સમક્ષ પણ આ મુદ્દે અમારી સ્પષ્ટતાઓ રજૂ કરીશું. આમ છતાં કાયદાનો અમલ કરવા માટે ફોર્સ કરવામાં આવશે તો અમારે કોર્ટનો સહારો લેવો પડશે. માટુંગાના એક હોટેલિયરે કહ્યું હતું કે ભગવાનના નામથી બિઝનેસ કરવો એ શ્રદ્ધાનો વિષય છે, એના પર કોઈ જ રોક લગાવી શકે નહીં.
કોઈ પણ એસ્ટૅબ્લિશમેન્ટના નામ બદલવા એટલે ફક્ત એની પ્રક્રિયા મહાનગરપાલિકાના શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ ડિપાર્ટમેન્ટ સુધી સીમિત નથી. એ વિશે જાણકારી આપતાં ‘આહાર’ના પ્રેસિડન્ટ શિવાનંદ ડી. શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો નામ બદલતાંની સાથે જ એકસાઇઝ ડિપાર્ટમેન્ટ સંબંધિત શરાબની દુકાન અને રેસ્ટોરાં-બારની પરમિટ કૅન્સલ કરી નાખે, જેના માટે નવા દસ્તાવેજો સાથે ફરીથી અરજી કરીને પરવાનગી લેવી પડે, જે રમતની વાત નથી. એના માટે ક્યારેક વર્ષોનાં વર્ષો નીકળી શકે છે. ત્યાર પછી એનાં સંલગ્ન ડિપાર્ટમેન્ટોમાંથી લાઇસન્સ લેવા અને પરવાનગીઓ લેવી એ પણ ખાવાના ખેલ નથી. આ પ્રક્રિયા માટે ઘણાં બધાં ડિપાર્ટમેન્ટમાંથી પસાર થવું પડે છે. આથી સરકાર માટે આ કાયદો લાવવો જેટલો સરળ છે એટલી સરળ નામ બદલવાની પ્રક્રિયાઓ નથી. આ વાતની સરકારને પણ ખબર છે.’
અમે આ બાબતની રજૂઆત પહેલાં મહાનગરપાલિકાના કમિશનર અને શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના કમિશનર સમક્ષ કરી છે, એમ જણાવતાં ઈશાન મુંબઈના ‘આહાર’ના વાઇસ પ્રેસિડન્ટ સુનીલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બાબતનો વિરોધ સરકાર સમક્ષ કરવા માટે મુંબઈનાં જેટલાં બાર અને રેસ્ટોરાંનાં નામ ભગવાન કે મહાનુભાવોનાં નામે છે તેમની પાસેથી મહાનગરપાલિકાએ મોકલેલી નોટિસની કૉપી મગાવી છે, જેના આધારે અમે સરકાર અને મહાનગરપાલિકા સમક્ષ અમારો પક્ષ મૂકી શકીએ. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને સમજાવવામાં અમે નિષ્ફળ જઈશું તો અમે આ મુદ્દે કાયદાકીય લડત લડતા અચકાઇશું નહીં.’
આ દેશમાં ૩૩,૦૦૦ કરોડ દેવતાઓ છે, જેના નામે લોકો તેમનાં પુત્ર-પુત્રીઓનાં નામ રાખે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે, એમ જણાવતાં શિવાનંદ શેટ્ટીએ કહ્યું હતું કે ‘કોઈની શ્રદ્ધા પર કાયદાકીય નિયંત્રણ કેમ કરી શકાય. મોટા ભાગનાં રેસ્ટોરાં અને બારના નામ પરિવારજનોનાં નામ પરથી રાખવામાં આવે છે, જેમ કે મારું નામ શિવાનંદ છે તો શિવા રેસ્ટોરાં. એવી જ રીતે કોઈના ઘરમાં પત્નીનું નામ દુર્ગા હોય કે પિતાનું નામ શંકર હોય તો તેના નામ પરથી તેઓ તેમની કંપનીનાં નામ કે રેસ્ટોરાં-બારનાં નામ રાખતાં હોય છે. આ લોકોનો તેમના લાઇસન્સ ઇશ્યુ કરતાં પહેલાં પ્રશાસને વિરોધ કરવો જોઈએ. આજે મુંબઈમાં અનેક શરાબની દુકાનો અને રેસ્ટોરાં-બાર ૨૫-૩૦ વર્ષથી ભગવાનનાં નામથી ચાલી રહ્યાં છે. હવે અચાનક સરકાર કે મહાનગરપાલિકા આ દુકાનોને અને બારને તેમના રાતોરાત નામ બદલવાનો આદેશ આપે તો એનાથી નામ બદલવાને બદલે તેમના બિઝનેસ બંધ થઈ જાય. નામ બદલવાથી બ્રૅન્ડ પર પણ અસર થાય છે. ગ્રાહકો નામ બદલતાં જ ચોંકી જાય છે.’
કોર્ટના ૨૦૧૯ના આદેશ પ્રમાણે કોઈ વ્યક્તિને તેની પ્રોડક્ટ કે તેના બિઝનેસના નામ ભગવાનના નામ કે ભગવાનના ફોટોનો ઉપયોગ કરતા ન રોકી શકો, એમ જણાવતાં માટુંગાના એક રેસ્ટોરાં-બારના માલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિઝનેસ કે પ્રોડક્ટને ભગવાનનાં નામ આપવા એ અમારો શ્રદ્ધાનો વિષય છે. આ દેશમાં ૩૩,૦૦૦ કરોડ દેવી-દેવતાઓ છે. અમને તેમનાં નામનો ઉપયોગ કરતાં કોઈ રોકી શકે નહીં. જે વ્યક્તિ ભગવાન બાલાજીના અનુયાયી હોય તે તેના પુત્રનું નામ બાલાજી રાખી શકે છે અને તેનો વ્યવસાય પણ બાલાજીના નામે કરી શકે છે. આ વ્યક્તિને શ્રદ્ધા છે કે ભગવાન નામથી તેના બિઝનેસને મદદ મળશે, પુશઅપ મળશે. કોર્ટે એક લોકહિતની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે લોકો ભગવાન બાલાજીની પૂજા કરે છે. શું આપણે કહી શકીએ કે બાલાજીની પૂજા ન કરો? આપણે કેવી રીતે કહી શકીએ કે તેમના ઉત્પાદન પર બાલાજીની છબિ ન હોવી જોઈએ? ધારો કે બિઝનેસમૅનની કીચેઇન પર બાલાજીની તસવીર હોય તો શું આપણે કહી શકીએ કે આવી તસવીરો કીચેઇન પર ન લગાવો?’
આ હોટેલિયરે કહ્યું હતું કે ‘અમે અમારા બોર્ડ મરાઠીમાં લખવા તૈયાર છીએ, પણ આજે સરકાર અમારી રેસ્ટોરાં-બાર કે દુકાનોનાં નામ બદલવાનો આદેશ આપે છે. કાલે અમને કહેશે કે તમારા પરિવારમાં કોઈના નામ ભગવાનના નામ પરથી ન હોવા જોઈએ. આથી અમે સરકાર અને મહાનગરપાલિકાના આ આદેશ સાથે સહમત નથી.’  
મરાઠીમાં બોર્ડ લખવા સંદર્ભમાં વધુ સમય આપવા માટે ગઈ કાલે સવારે ‘આહાર’ના પ્રેસિડન્ટ શિવાનંદ શેટ્ટી અને અન્ય પદાધિકારીઓએ મહારાષ્ટ્રના લેબર મિનિસ્ટર હસન મુશરિફ સાથે મીટિંગ કરી હતી. આ બાબતની માહિતી આપતાં શિવાનંદ શેટ્ટીએ કહ્યું હતું કે ‘હસન મુશરિફે અમારી વાત શાંતિથી સાંભળી હતી. તેમને કહ્યું હતું કે આ સંબંધમાં મહાનગરપાલિકા જ અમને સહાયરૂપ થઈ શકશે. મરાઠીમાં બોર્ડ ૩૧ મે પહેલાં બદલવા એ માટે અમે અસમર્થ જ નહીં, પણ અમારા માટે એ અશક્ય પણ છે. અમને એના માટે છ મહિનાનો સમય જોઈએ છે.’  

mumbai news mumbai