16 December, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુઓ કેવો કૂદકો મારીને ગોરેગામમાં એક જણને કરડ્યો હતો આ કૂતરો
ગોરેગામ-વેસ્ટના કેટલાક વિસ્તારોમાં એક આક્રમક રખડતા શ્વાને શુક્રવારે ૧૬ લોકોને બચકાં ભર્યાં હતાં જેને કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. એક વ્યક્તિને શ્વાન એટલી ક્રૂર રીતે કરડ્યો હતો કે તેની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. આ શ્વાનને હડકવા થયો હોવાનો દાવો કરવામાં આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વેટરિનરી વિભાગે એને પકડવા માટે ગોરેગામના વિવિધ વિસ્તારોમાં સતત ૩ દિવસ શોધ ચલાવી હતી. જોકે શ્વાનની કોઈ માહિતી ન મળતાં ગઈ કાલે સાંજે એ મરી ગયો હોવાનું માનીને શોધ બંધ કરવામાં આવી હતી. જોકે ફરી વાર આવી ફરિયાદ આવશે તો પાછી શોધ શરૂ કરવામાં આવશે એવી માહિતી BMCના વેટરિનરી વિભાગના અધિકારીએ આપી હતી.
BMCના વેટરિનરી વિભાગના સિનિયર ડૉક્ટર કલીમપાશા પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે એક શ્વાને ૧૬ લોકોને બચકાં ભર્યાં હોવાની માહિતી સામે આવ્યા બાદ ગોરેગામમાં શ્વાનને પકડવા માટે શનિવાર સવારથી ૪ વાહનો તહેનાત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત બે NGOનો પણ સમાવેશ થયો હતો. શ્વાનને શોધવા માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત રોજ શ્વાનને ખાવાનું આપતા ઍનિમલ ઍક્ટિવિસ્ટોની પણ મદદ લેવામાં આવી હતી. જોકે ગઈ કાલ સાંજ સુધી એનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમ્યાન શુક્રવારે વાઇરલ થયેલા એક વિડિયોમાં દેખાતું હતું કે શ્વાનના માથામાં ઈજા થઈ હતી એટલે અમે એવું અનુમાન લગાવ્યું હતું કે ઈજાને કારણે એ મૃત્યુ પામ્યો હશે. આ ઉપરાંત છેલ્લા બે દિવસમાં શ્વાન કરડવાના નવા કોઈ કેસ નોંધાયા નથી. અમે ફક્ત એક જ વૉર્ડમાં માનવબળ તહેનાત કરી શકતા નથી એટલે સઘન કામગીરી હાલમાં બંધ કરી છે. આવતા સમયમાં જો પાછા શ્વાન કરડવાના કેસ બનશે તો પાછી તપાસ શરૂ કરવામાં આવશે.’
BMCના ડેટા અનુસાર ગયા વર્ષે મુંબઈમાં કૂતરા કરડવાના ૧.૨૮ લાખ કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ૯૬,૭૫૭ કેસ નોંધાયા છે. આ ડેટા વિધાનસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો.