સંજય રાઉત બીજેપી સાથે સુલેહ કરવા માગે છે કે પછી જેલમાંથી આવતાવેંત શરૂ કરી રાજનીતિ?

11 November, 2022 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસનાં વખાણ કરીને તેમના સહિત વડા પ્રધાનને અને ગૃહપ્રધાનને મળવા જવાનું કહ્યું : શિંદે ગ્રુપને ભ્રમિત કરવાની સ્ટ્રૅટેજીનો એક ભાગ હોવાની ચર્ચા : જોકે ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વાર બીજેપી પર તાક્યું નિશાન

ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને મળવા ગયેલા સંજય રાઉતનું તિલક કરીને રશ્મિ ઠાકરેએ સ્વાગત કર્યું હતું. પી.ટી.આઈ.


મુંબઈ : શિવસેનાના સંસદસસભ્ય સંજય રાઉતને મંગળવારે જામીન પર મુક્ત કરાયા બાદ બુધવારે તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ આક્રોશ સાથે વર્તમાન સરકારમાં કેન્દ્રીય એજન્સીઓ પાળેલા પ્રાણીની જેમ વર્તે છે અને સરકાર જેના પર કહે તેના પર કાર્યવાહી કરે છે એવો આક્ષેપ કર્યો હતો તેમ જ યોગ્ય નિર્ણય લેવા બદલ કોર્ટનો આભાર માન્યો હતો. સંજય રાઉતને જામીન મળ્યાની ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે ‘તે શિવસેનાના નેતા, સંસદસભ્ય અને ‘સામના’ના એક્ઝિક્યુટિવ એડિટર હોવા ઉપરાંત મારા નજીકના મિત્ર છે. કટોકટીના સમયમાં તેમણે મને - તેમના મિત્રને ભરપૂર સાથ આપ્યો છે. જો કોઈ કોર્ટને પોતાના અંકુશમાં લેવાની કોશિશ કરે તો એનો વિરોધ કરવો જ જોઈએ.’ 
૧૦૩ દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા સંજય રાઉત સાથે મળીને માતોશ્રી પર યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને ફરી કોઈ ખોટા કેસમાં સંડોવી શકાય છે એવી ભીતિ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે ‘કેન્દ્રીય યંત્રણાનો ઉપયોગ કરીને અનેક પક્ષ તોડવામાં આવ્યા છે અથવા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગેરકાયદે ધરપકડ કરાય છે તથા ખોટા કેસ પણ કરવામાં આવી રહ્યા છે.’ 
બુધવારે હાઈ કોર્ટે સંજય રાઉતની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી એનો ઉલ્લેખ કરીને ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર​ નિશાન સાધતાં કહ્યું હતું કે ‘કોર્ટની આવી ટકોર શરમજનક થપ્પડ સમાન છે. જો કેન્દ્રમાં બીજેપી સરકાર ન હોત તો આવી ઘટનાઓ પણ ન બની હોત.’ 
સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે માત્ર ઈડી જ નહીં, વિવિધ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. ગઈ કાલે સવારે સંજય રાઉતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં વખાણ કરતાં ફરી એક વાર જાતજાતના તર્કવિતર્ક થવા લાગ્યા હતા. જોકે એ પહેલાં નાયબ મુખ્ય પ્રધાને રાજકારણમાં કડવાશ ઓછી થવી જોઈએ એવા તેમના સ્ટેટમેન્ટનું સંજય રાઉતે સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, તેમણે દેવેન્દ્ર ફડણવીસ, નરેન્દ્ર મોદી અને અમિત શાહને આવનારા દિવસોમાં મળવાની તૈયારી બતાવી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સરકાર તો નાયબ મુખ્ય પ્રધાન ચલાવી રહ્યા છે, જ્યારે બાકી બધા લોકો તો માત્ર ફરતા રહેવાનું કામ કરે છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસના અમુક નિર્ણયોની તારીફ પણ કરી હતી. જાણકારોનું કહેવું છે કે આ ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાની કોઈ સ્ટ્રૅટેજીનો ભાગ હોઈ શકે છે. આ રીતે તેઓ એકનાથ શિંદેના ગ્રુપના મગજમાં ભ્રમણા પેદા કરવા માગતા હોવાનું રાજકીય પંડિતોને લાગે છે.

mumbai news sanjay raut devendra fadnavis