પુત્રની શારીરિક ઊણપ બની પરિવાર માટે હતાશાનું કારણ

21 February, 2021 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્રની શારીરિક ઊણપ બની પરિવાર માટે હતાશાનું કારણ

ડૉ. મહેન્દ્ર થોરાત પત્ની અને બે બાળકો સાથે

દીકરાને ઓછું સંભળાતું હોવાથી ગામમાં તે મજાકનો વિષય બનતાં અને તેનું વારેઘડીએ અપમાન થતાં માતા-પિતા એ સહન ન કરી શક્યાં એટલે આખા પરિવારે જીવન ટૂંકાવ્યાની કમકમાટીભરી ઘટના અહમદનગર જિલ્લામાં બની છે. એને કારણે લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અહમદનગરના કર્જત તાલુકાના રાશિન ગામમાં આ ઘટના બની હતી. ડૉ. મહેન્દ્ર થોરાત ગામમાં ગરીબોની સેવા કરવા માટે જાણીતા હતા. તેમના મોટા દીકરા કૃષ્ણાને સાંભળવામાં તકલીફ હતી એટલે તેણે વારેઘડીએ અપમાનનો ભોગ બનવું પડતું હતું. તેની આ શારીરિક ઊણપને કારણે તેને પડતી હાલાકીથી પરિવાર બહુ જ હતાશ થઈ ગયો હતો અને અપરાધભાવથી પીડાતો હતો. એથી ડૉ. મહેન્દ્ર થોરાત અને તેમનાં પત્ની વર્ષારાણીએ રોજ-રોજની આ અવહેલનાથી કંટાળીને આખા પરિવારે જ જીવન ટૂંકાવી દેવું એવો નિર્ણય લીધો હતો.

ડૉ. મહેન્દ્ર થોરાતે પત્ની વર્ષારાણી, મોટા દીકરા કૃષ્ણા અને નાના દીકરા કૈવલ્યને સલાઇનમાં ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. ત્યાર બાદ ગળાફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં કર્જત પોલીસે ઘટનાસ્થળે જઈને ચારે મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા. આત્મહત્યા કરતાં પહેલાં ડૉ. થોરાતે એક ચિઠ્ઠી લખીને એમાં ઓછું સાંભળતો દીકરો અપમાનાસ્પદ વર્તણૂકનો શિકાર બનવાના કારણે તેઓ અપરાધભાવથી પીડાઈ રહ્યા હતા અને એથી આ પગલું લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

mumbai mumbai news ahmednagar karjat