બીએમસીના દીવા તળે અંધારું

26 October, 2022 09:22 AM IST  |  Mumbai | Shirish Vaktania

મોટા ઉપાડે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રોશની કરાઈ છે, પણ અેને કારણે ગોરેગામ, મલાડ અને કાંદિવલીમાં ઘણાં સ્થળે સ્ટ્રીટલાઇટ પણ નથી એટલે મોટરિસ્ટો અંધારાને લીધે મુકાયા છે મુશ્કેલીમાં

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દિવાળીમાં છવાયેલું અંધારું (તસવીર : અનુરાગ આહિરે)

દિવાળીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને લાઇટિંગથી શણગારવાના મુંબઈ કૉર્પોરેશનના પ્રયાસથી મોટરિસ્ટો તકલીફમાં મુકાઈ ગયા છે. દિવાળી નિમિત્તે સુધરાઈએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના સ્ટ્રીટ-પોલ્સને લાઇટ્સથી શણગાર્યા હતા, જેની અવળી અસર સ્ટ્રીટલાઇટ્સ પર પડતાં કાંદિવલી, ગોરેગામ અને મલાડ સ્ટ્રેચના મોટરિસ્ટ્સ સામે જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈ કૉર્પોરેશને સ્ટ્રીટ-પોલ્સ શણગાર્યા હતા, પણ અધૂરા કામને કારણે આ વિસ્તારમાં ઘણાં સ્થળોએ સ્ટ્રીટ લાઇટ્સ બંધ થઈ ગઈ છે. ‘મિડ-ડે’ના રિપોર્ટરે મંગળવારે એ સ્થળની મુલાકાત લીધી ત્યારે ઘણી સ્ટ્રીટ લાઇટ્સ બંધ હતી.

ગોરેગામના હબ મૉલથી ઑબેરૉય મૉલ, ધનજીવાડી હાઇવેથી કાંદિવલી હાઇવે બ્રિજ અને સમતાનગર પોલીસ સ્ટેશન પાસે સ્ટ્રીટ લાઇટ્સ બંધ હતી. આ તમામ સ્ટ્રેચ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ઍક્સિડન્ટ સ્પૉટ્સ છે અને આ સ્થળોએ મુંબઈગરાઓએ જણાવ્યા પ્રમાણે ઘણા લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.

મલાડ રહેતા ફિરોઝ ખાને જણાવ્યું કે ‘અત્યારે દિવાળીનો તહેવાર છે અને લાઇટ્સ હોવી જરૂરી છે, પણ સરકારી સંસ્થાઓએ લોકોના જીવ સાથે રમત ન રમવી જોઈએ. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘણી જગ્યાએ છેલ્લા બે-ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઇટ્સ બંધ છે. અગાઉ પણ અમે કૉર્પોરેશનને તથા હાઇવે અને અન્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ્સની વ્યવસ્થા સંભાળતી કંપનીને ઘણી વખત ફરિયાદો કરી હતી. આમાં જો કોઈ ઍક્સિડન્ટ થશે તો એ માટે જવાબદાર કોણ ઠરશે?’

બોરીવલી રહેતા વિરાજ ઘાણેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘થોડાં વર્ષ અગાઉ સમતાનગર પાસે માર્ગોની ખરાબ હાલતને કારણે તેમના ખાસ મિત્રનું માર્ગ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

અંધેરી રહેતા નરેશ ગદ્દામે કહ્યું કે ‘હું દરરોજ અંધેરીથી મલાડ વચ્ચે મુસાફરી કરું છું. ત્યાં સ્ટ્રીટ લાઇટ્સના અભાવે કેટલાક બ્લાઇન્ડ સ્પૉટ્સ છે અને ઘણી વખત મને મુશ્કેલી પડી છે. આ ગંભીર સમસ્યા છે અને એને તાકીદે નિવારવી જરૂરી છે.’

બીએમસીના રોડ વિભાગના ચીફ ઍન્જિનિયર એમ.એમ. પટેલે જણાવ્યું હતું કે, શું ડેકોરેશન લાઇટ્સને કારણે સ્ટ્રીટ લાઇટ્સ નથી ચાલતી એની હું તપાસ કરીશ. અમે ઝટ એને ચાલુ કરી દઇશું.

mumbai mumbai news brihanmumbai municipal corporation western express highway kandivli diwali shirish vaktania