ઘાટકોપરના આ ગુજરાતી યુવકના મોતની તપાસ કેમ ઝડપથી નથી થઈ રહી?

28 December, 2014 04:49 AM IST  | 

ઘાટકોપરના આ ગુજરાતી યુવકના મોતની તપાસ કેમ ઝડપથી નથી થઈ રહી?




રોહિત પરીખ


ઘાટકોપરની રમાબાઈ કૉલોનીની એક નાનકડી સ્લમમાં રહેતા ગુજરાતી યુવાન દિવેશ મહેતાની ડેડ-બૉડી મળ્યાને દોઢ મહિનો વીતી ગયો છે, પણ પોલીસ હજી સુધી દિવેશ કઈ રીતે મૃત્યુ પામ્યો અને જો તેનું મર્ડર થયું હોય તો કોણે કર્યું, તેનું મર્ડર તે ગુમ થયા પછી કેટલા કલાક પછી થયું એ સવાલના જવાબ શોધી નથી શકી. મહેતા પરિવારને આ બાબતે અચરજ થઈ રહ્યું છે. તેઓ કહે છે કે ‘પોલીસ દિવેશના મર્ડરની તપાસ પર અમે ગરીબ હોવાથી ધ્યાન નથી આપી રહી. તેમણે દિવેશ કેવી રીતે મૃત્યુ પામ્યો શોધવું જોઈએ, પણ દોઢ મહિનો થયો છતાં પોલીસ એ શોધવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.’

ઘાટકોપરની પંતનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આજ સુધી દિવેશના પચીસથી વધુ મિત્રોની, તેનો મોટા ભાઈ વિનયની અને વિનયે જેમના પર શંકા દર્શાવેલી એ રમાબાઈ કૉલોનીના બે-ત્રણ યુવાનોની પૂછપરછ કરી ચૂકી છે છતાં તેમને હજી કોઈ સગડ મળ્યા નથી. પંતનગર પોલીસ કહે છે કે તેમને હજુ સુધી ફૉરેન્સિક લૅબમાંથી રિપોર્ટ મળ્યો ન હોવાથી તેઓ આગળ તપાસ કરવામાં અસમર્થ છે.

ચર્ની રોડની ડાયમન્ડ માર્કેટમાં સાડાત્રણ હજાર રૂપિયાના પગારે નોકરી કરતો દિવેશ રાત-દિવસ એક કરીને પૈસા વધારે મળશે એ આશાએ કામ કરતો હતો, પણ તેની આશા ઠગારી નીવડી હતી. દિવાળીમાં બોનસની આશા રાખી બેઠેલા દિવેશને કંપનીમાંથી બોનસ ન મળતાં તે કંપનીના મૅનેજમેન્ટથી નારાજ થયો હતો. બોનસ મેળવવા તેણે ખૂબ ધમપછાડા કર્યા હતા, પણ એમાં સફળ ન થતાં આખરે તેણે નોકરી છોડી દીધી હતી.

આ બાબતે વાત કરતાં દિવેશના ભાઈ વિનયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી વાત માનીને દિવેશ ૧૩ નવેમ્બરે ઘરેથી નોકરીએ જવા નીકળ્યો હતો, પણ તે કંપનીમાં પહોંચ્યો જ નહોતો. અમે રાતે ૧૦.૩૦ વાગ્યા સુધી તેની રાહ જોઈ. પછી તે ગુમ થયો હોવાની ફરિયાદ કરી હતી.’

૧૯ નવેમ્બરે રમાબાઈ કૉલોનીની સામેની બાજુએ આવેલી રેલવે પોલીસ કૉલોનીમાં એક ઝાડીમાં સ્કૂલનાં બાળકો યુરિન માટે ગયાં ત્યારે તેમણે ડેડ-બૉડી જોઈ હતી જે ગંધાતી હતી. ગભરાયેલાં બાળકોએ તરત જ ત્યાં બાજુમાં પૅટ્રોલિંગ માટે ઊભી રહેતી પોલીસ-વૅનમાં જઈને એ બાબતની જાણ કરી હતી. એ માહિતી પંતનગર પોલીસને મળતાં એણે ડેડ-બૉડીનો કબજો લીધો હતો. જોકે તેમણે ચાર દિવસ પહેલાં મળેલી દિવેશ ગુમ થયો હોવાની ફરિયાદ પર ધ્યાન નહોતું આપ્યું.

પોલીસને ડેડ-બૉડી મળતાં આ વિસ્તારમાં હોહા થઈ ગઈ હતી એમ જણાવતાં વિનયે કહ્યું હતું કે. ‘એ વખતે ત્યાંથી પસાર થતા અમારી કૉલોનીના એક યુવકે અમારો સંપર્ક કરીને જણાવ્યું હતું કે પોલીસને આવી એક ડેડ-બૉડી મળી છે એટલે જરા જઈને તપાસ કરો. અમે દોડીને ત્યાં ગયા હતા. બૉડી તદ્દન સડી ગઈ હતી અને એના પર કીડા ફરતા હતા. એ ખૂબ જ ગંધાતી હતી. એ દુર્ગંધ સહન પણ નહોતી થતી. રાજાવાડી હૉસ્પિટલના ડૉક્ટરોના કહેવા પ્રમાણે દિવેશના શરીરના કોઈ પણ ભાગમાં ઘા નહોતો. એના સિવાય તેનું મોત કેવી રીતે થયું અને કેટલા દિવસ પહેલાં થયું એ બધી જાણકારી ફૉરેન્સિક લૅબનો રિપોર્ટ આવ્યા પછી જ મળશે. બે દિવસ તેની બૉડી વરસાદમાં ભીંજાઈ હોવાથી શરીરના બાહ્ય ભાગમાંથી પોલીસને કોઈ નિશાન મળ્યાં નહોતાં.

પોલીસ શું કહે છે?

આ બાબતે પંતનગર પોલીસના તપાસ-અધિકારીએ કહ્યું હતું કે ‘ખૂબ જ તપાસ કર્યા પછી પણ અમને હજી સુધી કોઈ સગડ મળતા નથી. અમારી હજી તપાસ ચાલુ છે. આ સિવાય અમે ફૉરેન્સિક લૅબના રિપોર્ટની રાહ જોઈએ છે, જેના માટે અમે ગયા અઠવાડિયે દિવેશનો ભાઈ વિનય અમારી પાસે આવ્યા પછી રિમાઇન્ડર મોકલ્યું છે.’