પૈસાના અભાવે તેજસ્વી વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ ખલેલ ન પડવી જોઈએ

28 December, 2011 05:06 AM IST  | 

પૈસાના અભાવે તેજસ્વી વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઈ ખલેલ ન પડવી જોઈએ



જેજેસીના દેશવિદેશમાં ૬૪ હજાર સભ્યો છે અને ૧૪૨ સેન્ટર છે જેમાંનાં ૧૪૦ સેન્ટર ભારતમાં, એક કૅનેડા (ટૉરોન્ટો)માં અને એક સુદાનમાં છે. મુંબઈના જુદા-જુદા ફિરકા અને જુદા-જુદા પંથોના જૈનોને એકત્ર કરી એક તાકાતવર જૈન સમાજનું નિર્માણ કરવા માટે ૨૬ જુલાઈ ૧૯૭૫ના દિવસે વિલે પાર્લેમાં જૈન જાગૃતિ સેન્ટરની સ્થાપના ચારેક જૈન અગ્રણીઓએ કરી હતી. જેજેસી - વિલે પાર્લેનું આ સેન્ટર શરૂ થયું ત્યારે માંડ બસો સભ્યો હતા, પણ પાંચેક વર્ષમાં સેન્ટર્સ અને સભ્યોની સંખ્યા એટલીબધી વધી ગઈ કે એને મૅનેજ અને ગવર્ન કરવા એક ખાસ બૉડીની જરૂર જણાઈ. આમ ૧૯૮૧ની ૨૬ જાન્યુઆરીએ જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ ર્બોડ બન્યું. ફેલોશિપના હેતુસર સામાજિક પ્રવૃત્તિઓથી શરૂ થયેલી આ સંસ્થાએ સમાજના ઉત્કર્ષ માટે માનવરાહત, એજ્યુકેશનમાં મદદ, મેડિકલ સારવાર અને જીવદયાની કામગીરીને વેગ આપવા જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ ર્બોડ ચૅરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું. હાયર એજ્યુકેશન લેવા માગતા જૈન વિદ્યાર્થીઓને આ ટ્રસ્ટ વ્યાજ લીધા વિના લોન આપે છે. એણે સાત વર્ષમાં ૩૩૦૦ વિદ્યાર્થીઓને ૧૫ કરોડ રૂપિયાથી વધુ લોન આપી છે. કુદરતી આપત્તિઓ જ નહીં, માનવને જીવવામાં જ્યાં પણ મદદની જરૂર હોય ત્યાં નાતજાત જોયા વિના જેજેસીએ મદદ કરી છે. મુંબઈમાં જેજેસીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને જૈન યુવક રમેશ મોરબિયાએ ૧૯૮૮માં જેજેસીનું વિદ્યાવિહાર સેન્ટર શરૂ કર્યું. એ પછી સમાજોત્કર્ષની જે ટ્રિમેન્ડસ પ્રવૃત્તિઓ સેન્ટરે કરી એનાથી પ્રભાવિત થઈને જેજેસી - સેન્ટ્રલ ર્બોડના ૧૯૯૨ના ચૅરમૅન મહેન્દ્ર કોલસાવાલાએ તેમને ર્બોડની કમિટીમાં જોડાવા કહ્યું. એ પછી તેઓ ૧૦ વર્ષ ર્બોડના ડેવલપમેન્ટ સેક્રેટરી રહ્યા અને એ દરમ્યાન જેજેસીનાં ૯૦ સેન્ટર થઈ ગયાં હતાં. ત્યાર બાદ તેઓ ર્બોડના સેક્રેટરી-જનરલ નિયુક્ત થયા અને ચાર વર્ષ રહ્યા. ૨૫ ડિસેમ્બરે તેઓ ચૅરમૅન બન્યા એ પહેલાં ચાર વર્ષ ર્બોડના વાઇસ-ચૅરમૅનપદે રહ્યા. તેઓ ચૅરિટેબલ ટ્રસ્ટના વાઇસ-ચૅરમૅન પણ છે. આ પ્રસંગે રમેશ મોરબિયાને જેજેસી સાથે તેમણે કરેલાં કાર્યો વિશે જણાવવા કહ્યું ત્યારે ૫૭ વર્ષના રમેશભાઈ ભારપૂર્વક એક સ્પષ્ટતા કરતાં કહે છે, ‘આમાં મેં કશું જ નથી કર્યું, જે કામ થઈ રહ્યાં છે એ જેજેસીનાં સેન્ટર્સ કરી રહ્યાં છે.’

જેજેસીને ઊંચાઈઓ પર લઈ જવાના તેમના સપના વિશે વાત કરતાં રમેશભાઈ કહે છે, ‘હા, મારે હજી એ બાબત પર વધુ ધ્યાન આપવું છે કે પૈસાના અભાવે કોઈ બ્રાઇટ વિદ્યાર્થીનું ભણતર ન અટકવું જોઈએ. એટલે એજ્યુકેશનના પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવું છે. એ માટે સમાજ પાસેથી પૈસા ભેગા કરી જરૂરિયાતવાળા એ વિદ્યાર્થીઓને પહોંચાડવા કામ કરીશ. દેશના ખૂણે-ખૂણે જ નહીં, વિદેશોમાં પણ જેજેસીનાં સેન્ટર્સ શરૂ કરવાં છે. મુંબઈમાં પાપડ, ખાખરા, થેપલાં જેવો ગૃહઉદ્યોગ કરીને ગુજરાન ચલાવતા સાધારણ આર્થિક સ્થિતિવાળા લોકોના કામને પ્રોત્સાહન મળે અને તેમની ચીજો ઘરે-ઘરે પહોંચે એ માટે રોજગાર યોજના, ફન-ફેર સહિતના કેટલાક પ્રોજેક્ટ્સ કરવા છે.’