કૉન્ગ્રેસમાં ભારે અસંતોષ, વિધાનસભ્યો જશે દિલ્હી

07 January, 2022 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના એક મહત્ત્વના પક્ષ એવા ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસમાં ભારે અંસતોષ જોવા મળી રહ્યો છે. કૉન્ગ્રેસના જ કેટલાક પ્રધાનોથી કૉન્ગ્રેસના અન્ય વિધાનસભ્યો નારાજ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના એક મહત્ત્વના પક્ષ એવા ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસમાં ભારે અંસતોષ જોવા મળી રહ્યો છે. કૉન્ગ્રેસના જ કેટલાક પ્રધાનોથી કૉન્ગ્રેસના અન્ય વિધાનસભ્યો નારાજ છે. એથી તેઓ આ બાબતે દિલ્હી હાઈ કમાન્ડને મળવાના છે. પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાના સાતથી આઠ વિધાનસભ્યો દિલ્હી જઈને કૉન્ગ્રેસના જ પ્રધાનોની ખરાબ કામગીરી વિશે ચિતાર આપવાના છે. હજી ગયા જ અઠવાડિયે વિદર્ભના કૉન્ગ્રેસના વિધાનસભ્યે દિલ્હી જઈને ફરિયાદ કરી હતી, પણ હવે સાતથી આઠ વિધાનસભ્યો એકસાથે જઈને રજૂઆત કરવાના છે. 
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસમાં થોડા વખતથી પક્ષની અંદર નારાજગીનો સૂર રેલાઈ રહ્યો છે. રાજ્યના કૉન્ગ્રેસ અધ્યક્ષ નાના પટોલે બીજેપીમાંથી કૉન્ગ્રેસમાં આવ્યા છે. એથી ઘણા કૉન્ગ્રેસીઓને તેમને ફરિયાદ કરવાથી કશું નહીં વળે એમ લાગતાં તેમને બાયપાસ કરીને સીધા હાઈ કમાન્ડ પાસે ફરિયાદ કરવાના છે. મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ સામે તો ઘણી વાર જાહેરમાં વિરોધ નોંધાઈ ચૂક્યો છે અને તેમની કામ કરવાની સ્ટાઇલથી પાર્ટીમાં ઘણાં લોકો નારાજ છે અને એની 
દિલ્હી સુધી ફરિયાદ ગઈ છે. થોડા સમય પહેલાં યુથ કૉન્ગ્રેસ અધ્યક્ષ ઝીશાન સિદ્ધિકીએ તો ભાઈ જગતાપની સત્તાવાર ફરિયાદ હાઈ કમાન્ડને પત્ર લખીને કરી હતી. કૉન્ગ્રેસના જૂના જોગીઓમાં એક વાર રાજ્યનું સુકાન સંભાળી ચૂકેલા અને કેન્દ્રને પણ વફાદાર એવા પૃથ્વીરાજ ચવાણ કે પછી રાજ્યના ભૂતપૂર્વ કૉન્ગ્રેસ અધ્યક્ષ માણિકરાવ ઠાકરેને હાલ સાવ જ હાંસિયામાં ધકેલી દેવાયા છે. ત્યારે કૉન્ગ્રેસના વિધાનસભ્યો દ્વારા તેમની રજૂઆત રાજ્ય સ્તરે ન કરતાં હાઇકમાન્ડને કરવાનું પસંદ કરી રહ્યા છે.

mumbai mumbai news congress