ટોચની રિયલ્ટી કંપનીના ડિરેક્ટર પણ બન્યા સેક્સ્ટોર્શનનો શિકાર

11 August, 2022 11:44 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનેલી યુવતીએ અર્ધનગ્ન અવસ્થામાં ફોન કર્યા બાદ જાણીતી કન્સ્ટ્રક્શન કંપનીના યુવાન ડિરેક્ટરે ખંડણીના પૈસા ન આપતાં તેનો ચહેરો મૉર્ફ કરી અશ્લીલ વિડિયો બનાવીને મિત્રો અને સંબંધીઓમાં સર્ક્યુલેટ કરી દીધો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સહિત પુણે અને ગુજરાતમાં અનેક હાઉસિંગ પ્રોજેક્ટ કરનાર વર્ષો જૂની અને ટોચની રિયલ્ટી કંપનીનો ૨૬ વર્ષનો યુવાન ડિરેક્ટર હવે સેક્સ્ટોર્શનનો ભોગ બન્યો છે. તેનો ચહેરો મૉર્ફ કરી અશ્લીલ વિડિયો બનાવીને તેની પાસેથી ખંડણી માગવામાં આવી હતી, પણ એ વિશે તેણે ધ્યાન ન આપીને ખંડણી ન આપતાં આરોપીઓએ તેનો વિડિયો તેના જ ઓળખીતાઓમાં અને સંબંધીઓમાં સર્ક્યુલેટ કરી દીધો હતો. પોતાની બદનામી થતાં આખરે તેણે આ સંદર્ભે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જુહુ પોલીસે ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

જુહુમાં રહેતા ફરિયાદીનો બહોળો વેપાર છે. કન્સ્ટ્રક્શન, સ્ટીલ અને સિમેન્ટ મૅન્યુફૅક્ચરિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન મટીરિયલ બનાવવાનો તેનો ફૅમિલી બિઝનેસ છે. મુંબઈના અંધેરી, બોરીવલી, મીરા રોડ, વડાલા સહિત પુણે અને ગુજરાતમાં પણ અનેક સફળ હાઉસિંગ પ્રોજેક્ટ તેમણે પાર પાડ્યા છે. ફરિયાદીના કહેવા મુજબ હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક યુવતી સાથે તેની ફ્રેન્ડશિપ થઈ હતી. રવિવારે તે યુવતીએ ડિરેક્ટરને મેસેજ કર્યો હતો કે તે તેને કૉલ કરે. જોકે એ પછી તે યુવતીએ જ તેને સામેથી વિડિયો કૉલ કર્યો હતો. તે ડિરેક્ટરે કૉલ રિસીવ કર્યો ત્યારે સામે તે યુવતી અર્ધનગ્ન અવસ્થામાં હતી અને તેણે તેને પણ નગ્ન થવા કહ્યું. જોકે તરત જ યુવાને ફોન કાપી નાખ્યો હતો. એ પછી થોડા જ સમયમાં યુવાનને તેના ફોન પર એ કૉલનો એડિટ કરેલો વિડિયો આવ્યો હતો. એ પછી તે યુવતીએ તેને મેસેજ કરીને ૭૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી અને જો એ ન આપ્યા તો એ વિડિયો મૉર્ફ કરીને તેના મિત્રો અને સંબંધીઓમાં મોકલવાની ધમકી આપી હતી. જોકે એમ છતાં આ ડિરેક્ટરે તેની એ ધમકી પર ધ્યાન આપ્યું નહોતું.

એ જ દિવસે થોડા કલાક બાદ તેના કાકા અને મિત્રોના તેને ફોન આવવા માંડ્યા કે કોઈએ સોશ્યલ મીડિયા પર તેનું ફેક અકાઉન્ટ બનાવ્યું છે અને એના પર તેનો અશ્લીલ વિડિયો ફરી રહ્યો છે. એથી બદનામી થતાં ડિરેક્ટરે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સંદર્ભે જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અજિતકુમાર વર્તકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ મળતાં અમે આરોપી સામે આઇપીસીની વિવિધ કલમો અને આઇટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મોબાઇલ પરથી ઇન્સ્ટાગ્રામ અને અન્ય એક સોશ્યલ મીડિયાનો ઉપયોગ થયો હોવાથી એ વિશે વધુ માહિતી મેળવવા અમે તેમનો અપ્રોચ કર્યો છે. જોકે એ માહિતી આવતાં થોડો સમય લાગતો હોય છે. અમે આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ.’  

mumbai mumbai news sex and relationships bakulesh trivedi