નાટ્યભૂમિના જાણીતા ડિરેક્ટર-ઍક્ટર અને થિયેટરગુરુ સત્યદેવ દુબેનું અવસાન

26 December, 2011 05:03 AM IST  | 

નાટ્યભૂમિના જાણીતા ડિરેક્ટર-ઍક્ટર અને થિયેટરગુરુ સત્યદેવ દુબેનું અવસાન

 

 

ગઈ કાલે સાંજે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રંગભૂમિ સાથે સંકળાયેલા અનેક દિગ્ગજોએ એમાં હાજરી આપી હતી.

ક્રિકેટરમાંથી આર્ટિસ્ટ
૭૫ વર્ષના સત્યદેવ દુબે છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. છત્તીસગઢના વિલાસપુરમાં ૧૯૩૬માં જન્મેલા નાટ્યભૂમિના આ કલાકાર મુંબઈમાં પોતાની કારકર્દિ ક્રિકેટમાં બનાવવા આવ્યા હતા; પણ તેમનું નસીબ તેમને રંગભૂમિ તરફ ખેંચી લાવ્યું હતું અને તેઓ નાટકકાર, પટકથાકાર, લેખક અને દિગ્દર્શક તરીકે પોતાનો દબદબો ઊભો કરવામાં સફળ રહ્યા હતા. પ્રાયોગિક નાટકોમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. મરાઠીભાષી ન હોવા છતાં તેમણે મરાઠી રંગભૂમિ પર સારીએવી નામના મેળવી હતી તો હિન્દી અને ઇંગ્લિશ નાટકોને એક અલગ જ દિશા ચીંધી હતી.

યાદગાર નાટકો
અલકાઝી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના પ્રમુખ તરીકે દિલ્હી ગયા બાદ આ નાટ્યસંસ્થાની તમામ જવાબદારી તેમણે પોતાના હાથમાં લીધી હતી. જાણીતા ઍક્ટર-ડિરેક્ટર ગિરીશ કર્નાડના પહેલા નાટક ‘યયાતિ’ અને ‘હયવદન’ તો બાદલ સરકારના ‘એવમ્ ઇન્દ્રજિત’ અને ‘પગલા ઘોડા’ તેમ જ વિજય તેન્ડુલકરનું ‘ખામોશ!’, ‘અદાલત જારી હે’ જેવાં નાટકો સહિત ‘સંભોગ સે સંન્યાસ તક,’ ‘અરે સખારામ બાઇન્ડર,’ ‘આધે અધૂરે’ અને ‘ઇન્શા અલ્લાહ’  જેવાં અનેક નાટકો તેમણે હિન્દી-અંગ્રેજીમાં કર્યા હતાં.

અનેક મરાઠી નાટકોની સાથે ફિલ્મોનું દિગ્દર્શન પણ કરનારા સત્યદેવ દુબેએ જાણીતી ફિલ્મો ‘અંકુર’, ‘નિશાંત’, ‘ભૂમિકા‘, ‘કલયુગ’, ‘આક્રોશ‘ તથા ‘વિજેતા’ જેવી ફિલ્મોના સંવાદ પણ લખ્યા હતા. ‘અંકુર’, ‘ભૂમિકા’, ‘વિજેતા’ અને ‘મંડી’ જેવી ફિલ્મોની પટકથા પણ તેમણે લખી હતી.

અનેક અવૉર્ડ્સના હકદાર
નાટ્યભૂમિ પર નવા-નવા પ્રયોગો કરનારા સત્યદેવ દુબેએ રંગભૂમિ અને ફિલ્મક્ષેત્રે આપેલા યોગદાન બદલ તેમને પદ્મભૂષણ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. એ અગાઉ તેમને ૧૯૭૧માં સંગીત નાટક ઍકૅડેમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. શ્યામ બેનેગલ દિગ્દર્શિત ‘ભૂમિકા’ ફિલ્મની પટકથા માટે તેમને ૧૯૭૮માં રાષ્ટ્રીય ચિત્રપટ પુરસ્કાર મળ્યો હતો અને ૧૯૮૦માં ‘જુનૂન’ ફિલ્મના સંવાદ લખવા માટે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.