બૅન્ક કૌભાંડમાં અજિત પવાર સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ

23 August, 2019 02:13 PM IST  |  મુંબઈ

બૅન્ક કૌભાંડમાં અજિત પવાર સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ

બૅન્ક કૌભાંડમાં અજિત પવાર સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ

મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્ક કૌભાંડના કેસમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અજિત પવાર તથા અન્ય ૭૦ જણ સામે ગુનો નોંધવાનો આદેશ ગઈ કાલે મુંબઈ વડી અદાલતે મુંબઈ પોલીસને આપ્યો હતો. જસ્ટ‌િસ એસ. સી. ધર્માધિકારી અને જસ્ટ‌િસ એસ. કે. શિંદેની બેન્ચે ઉક્ત ૭૧ જણ સામે પાંચ દિવસોમાં એફઆઇઆર નોંધવાનો આદેશ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સ વિન્ગને આપ્યો હતો.
કૌભાંડનો કેસ જે ૭૧ જણ સામે નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે એમાં અજિત પવાર ઉપરાંત રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલ તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્કની ૩૪ જિલ્લાની શાખાઓના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ છે. ઉક્ત ૭૧ આરોપીઓ વર્ષ ૨૦૦૭થી વર્ષ ૨૦૧૧ સુધીના ગાળામાં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્કને લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાની ખોટ જાય એવી ગતિવિધિઓમાં સામેલ હોવાનું કહેવાય છે.
નૅશનલ બૅન્ક ફૉર ઍગ્ર‌િકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના ઇન્સ્પેક્શન અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ હેઠળ નિયુક્ત કરવામાં આવેલા અર્ધ ન્યાયતંત્રીય પંચે ફાઇલ કરેલી ચાર્જશીટમાં અજિત પવાર તથા બૅન્કના કેટલાક ડિરેક્ટર્સ સહિત ૭૧ આરોપીઓને દોષિત ગણાવવામાં આવ્યા છે. આરોપીઓના નિર્ણયો, પગલાં અને નિષ્ક્રિયતાને કારણે બૅન્કને મોટી ખોટ ગઈ હોવાનું ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું. નાબાર્ડના ઑડિટ રિપોર્ટમાં સાકર કારખાનાં અને સ્પિનિંગ મિલ્સની લોનની અરજીઓ મંજૂર કરવામાં બૅન્કિંગના કેટલાક કાયદા અને રિઝર્વ બૅન્કની માર્ગદર્શક સૂચનાઓનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ ધિરાણો પાછાં ચૂકવવામાં અને ધિરાણો વસૂલ કરવામાં પણ ગફલતો કરવામાં આવી હોવાનું ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું. એ સમયગાળામાં અજિત પવાર ઉક્ત સહકારી બૅન્કના ડિરેક્ટર હતા.

ajit pawar