મિડ-ડેના રિપોર્ટનો પડઘો : જોખમી દિંડોશી ફ્લાયઓવરનું ટૂંક સમયમાં રિપેરિંગ

19 March, 2014 07:34 AM IST  | 

મિડ-ડેના રિપોર્ટનો પડઘો : જોખમી દિંડોશી ફ્લાયઓવરનું ટૂંક સમયમાં રિપેરિંગ




આ બાબતે ‘મિડ-ડે’માં રિપોર્ટ આવ્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે  રોજના અંદાજે ૫૦,૦૦૦ જેટલા લોકોના જીવ એને કારણે જોખમમાં મુકાય છે. આ સંદર્ભે‍ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) ડૉ. બી. કે. ઉપાધ્યાય એક ફ્રેશ લેટર લખીને MSRDCને જણાવવાના છે કે એ રિપેરિંગનું કામ કરી શકે છે, પણ એણે ટ્રાફિકની સમસ્યા ઘેરી ન બને એ માટે ફ્લાયઓવરની એક લાઇન ચાલુ રાખવી પડશે, કારણ કે રોજના ૫૦,૦૦૦ જેટલા મોટરિસ્ટો એનો ઉપયોગ કરે છે.

 ડૉ. બી. કે. ઉપાધ્યાયે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને ડેપ્યુટી કમિશનરને આ બાબતે લેટર લખવા જણાવ્યું છે. હવે બોર્ડની એક્ઝામ પૂરી થવા આવી છે એથી એણે રિપેરિંગનું કામ કરી મૉન્સૂન પહેલાં પતાવી દેવું પડશે.’

ડેપ્યુટી કમિશનર પ્રતાપ દિઘાવકરે આ બાબતે કહ્યું છે કે તેઓ આ વિશે MSRDCના અધિકારીઓને મળ્યા છે અને તેમણે ટ્રાફિકની સમસ્યાને કઈ રીતે ખાળી શકાય એ બાબતે પણ ચર્ચા કરી હતી. તેમણે એ વિશે કહ્યું હતું કે અમે ટ્રાફિક જૅમ ન થાય અને લોકોને હાડમારી ભોગવવી ન પડે એ માટે ટ્રાફિકને ડાઇવર્ટ કરીને સર્વિસ રોડનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છીએ.

આ પહેલાં MSRDCએ ૪ ફેબ્રુઆરીએ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટને લેટર લખીને મેજર રિપેરિંગ કરવાનું હોવાથી ફ્લાયઓવર ૧૪ ફેબ્રુઆરીથી ૧૫ મે સુધી બંધ રાખવાની માગણી કરી હતી. ત્ત્વ્-બૉમ્બેના સ્ટુડન્ટ્સે આ બાબતે તપાસ કરી રિપોર્ટર્ આપ્યો હતો અને એમાં બહુ જ સ્પષ્ટ કહ્યું હતું કે ફ્લાયઓવરનું રિપેરિંગ કરવું બહુ જ જરૂરી છે. જોકે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે એ વખતે MSRDCને એક લેટર લખીને ટ્રાફિક કઈ રીતે મૅનેજ કરવામાં આવશે એનો ખુલાસો માગ્યો હતો જેનો જવાબ MSRDCએ નહોતો આપ્યો, કારણ કે MSRDCનું કહેવું હતું કે એને આવો કોઈ લેટર જ નહોતો મળ્યો.   

ટ્રાફિકની સમસ્યા વિશે જણાવતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનામાં જ્યારે આ બ્રિજ ૨૧ દિવસ રિપેરિંગ માટે બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાતો હતો. એથી એને ત્રણ મહિના સુધી રિપેરિંગ માટે બંધ કરવો એ બહુ મોટી સમસ્યા હતી અને સ્કૂલોની અને કૉલેજોની પણ એકઝામ ચાલી રહી હોવાથી અમે આ બાબતે ફરી MSRDCનો સંપર્ક નહોતો કર્યો, કારણ કે નહીં તો લોકોને ફરી ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હોત.’