ભાવવધારાના વિરોધમાં આજે શિવસેના ને યુવા સેનાનો મોરચો

16 September, 2012 06:51 AM IST  | 

ભાવવધારાના વિરોધમાં આજે શિવસેના ને યુવા સેનાનો મોરચો




ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો અને એલપીજી ગૅસસિલિન્ડરના રૅશનિંગના વિરોધમાં શિવસેના અને યુવા સેના દ્વારા આજે સવારે નવ વાગ્યે શિવાજી પાર્કથી સિદ્ધિવિનાયક મંદિર સુધીનો એક મોરચો કાઢવામાં આવશે. આ મોરચામાં રીટેલ ક્ષેત્રમાં એફડીઆઇનો પણ વિરોધ કરવામાં આવશે. સાઇકલ, ઘોડાગાડી, બળદગાડી વગેરેને સામેલ કરીને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે સાઇકલસવારી કરી એનું નેતૃત્વ કરશે. શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સિદ્ધિવિનાયકમાં થનારી સભામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન કરશે.

શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેએ મોંઘવારી વિશે બનાવેલાં કાટૂર્નોને પ્લૅકાર્ડ તરીકે લગાવીને એને આ રૅલીમાં સામેલ કરવામાં આવશે. શિવસૈનિકો આ પ્લૅકાર્ડ લઈને રૅલીમાં સામેલ થશે.

ભાવવધારો વધુ ભયાનક : બાળ ઠાકરે

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબે આતંકવાદી હુમલો કરીને ૨૦૦ લોકોને મારી નાખ્યા હતા, પણ વડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીના ભાવવધારારૂપી હુમલામાં ઓછામાં ઓછા ૩૦ કરોડ લોકોનાં જીવન ઉદ્ધ્વસ્ત થઈ ગયાં છે. તૃણમૂલ કૉન્ગ્રેસનાં ચીફ મમતા બૅનરજીમાં તાકાત હોય તો તેઓ સરકારમાંથી રાજીનામું આપીને બતાવે. સરકારને ટેકો આપતા પક્ષો પણ આ ભાવવધારાની નિંદા કરતાં નિવેદનો આપે છે પણ કોઈને સત્તા છોડવી નથી.’

ભાવવધારાના વિરોધમાં બીજેપીના દેખાવો

ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો અને એલપીજી ગૅસસિલિન્ડરના રૅશનિંગના વિરોધમાં બીજેપી અને એનસીપીએ ગઈ કાલે બે અલગ-અલગ મોરચા કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બીજેપીએ એની દક્ષિણ મુંબઈમાં આવેલી પાર્ટીઑફિસ સામે દેખાવો કર્યા હતા. બીજેપીના કાર્યકરોએ પછી પ્રોટેસ્ટ માર્ચ કાઢી હતી અને પાસે આવેલા પેટ્રોલિયમ હાઉસ પાસે તેઓ ગયા હતા, પણ એ બંધ હોવાથી તેમણે સામે ચાલીને ધરપકડ વહોરી લીધી હતી. તેમને મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને એક કલાક પછી છોડી મૂકવામાં આવ્યા હતા.

એનસીપીની મહિલા વિંગે પણ આઝાદ મેદાન ખાતે આ ભાવવધારાનો વિરોધ કર્યો હતો. તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ગૅસસિલિન્ડરના પ્રતીકને બાળ્યું હતું.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ, એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બીજેપી = ભારતીય જનતા પાર્ટી, એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી