કોના કહેવાથી પેણ પોલીસે શીના બોરા કેસનો FRI ફાડ્યો?

03 September, 2015 07:37 AM IST  | 

કોના કહેવાથી પેણ પોલીસે શીના બોરા કેસનો FRI ફાડ્યો?






જોકે રાયગડ-પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘તપાસમાં મળેલી માહિતી મુજબ મૃતદેહ બાબતે FRI નોંધવાની તૈયારી પેણ-પોલીસે કરી હતી, પરંતુ એક સિનિયર અધિકારીએ હસ્તક્ષેપ કરીને જુનિયર અધિકારીઓને જ્ત્ય્ના કાગળ ફાડી નાખવાની વાત કરી હતી.’

શીના બોરા કેસમાં પેણ-પોલીસની બેદરકારી બાબતે ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સંજીવ દયાળના માર્ગદર્શનમાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુવેઝ હક્ક તપાસ કરી રહ્યા છે. એ વખતના પેણ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ સુરેશ મિરાગેએ સ્ટેશન-ડાયરીમાં નોંધ્યું હતું કે ‘આ કેસનું ઇન્વેસ્ટિગેશન સિનિયર અધિકારીના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે.’

તપાસમાં જાણવા મળ્યું હતું કે એ જ સિનિયર અધિકારીએ શીનાની ડેડ-બૉડી મળી એ બાબતે કોઈ પગલાં ન લેવાની સૂચના પેણ-પોલીસને આપી હતી અને FRI પૂરેપૂરો નોંધાય એ પહેલાં એના કાગળ પણ એ અધિકારીએ ફાડી નાખ્યા હતા.

તપાસમાં સુરેશ મિરાગેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એ વખતે પ્રદીપ ચવાણ પેણના સબ-ડિવિઝનલ ઑફિસર અને સંદીપ ધાંડે સબ-ઇન્સ્પેક્ટર હતા તેમ જ રાવસાહેબ શિંદે રાયગડના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ હતા. રાવસાહેબ શિંદે હાલમાં મુંબઈ-પોલીસના સેન્ટ્રલ રીજનના ઍડિશનલ પોલીસ-કમિશનર છે.

ધરપકડ થયા બાદ ઇન્દ્રાણી પહેલી વખત પીટરને મળી

ઇન્દ્રાણી મુખરજીની વકીલ ગુંજન મંગલાને ગઈ કાલે ૨૦ મિનિટ માટે મળવા દેવામાં આવી હતી. જોકે આ મીટિંગ સમયે કેટલાક પુરુષ અને મહિલા પોલીસ-અધિકારીઓ હાજર હતા. સોમવારે ઇન્દ્રાણીને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવી ત્યારે તે તેની પુત્રી વિધિને કેટલીક મિનિટો માટે મળી શકી હતી.

 દરમ્યાન ગઈ કાલે સવારે સ્ટાર ઇન્ડિયાના ભૂતપૂર્વ CEO પીટર મુખરજી ખાર પોલીસ-સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીટર મુખરજી, ઇન્દ્રાણી અને તેનો ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના, ડ્રાઇવર શ્યામ રાયને આમનેસામને બેસાડી પોલીસે તેમની સઘન પૂછપરછ કરી હતી. પોલીસની ટીમ પીટર મુખરજીના વરલીના ઘેર પણ ગઈ હતી અને કલકત્તા ગયેલી પોલીસની ટીમે સંજીવ ખન્નાનું લૅપટૉપ જપ્ત કર્યું છે. પોલીસે ત્રણે આરોપીઓની તેમના વકીલોની હાજરીમાં પૂછપરછ કરી હતી. ૨૪ ઑગસ્ટે ઇન્દ્રાણીની ધરપકડ થયા બાદ ઇન્દ્રાણી પહેલી વાર પીટરને મળી હતી.

ઇન્દ્રાણી મુખરજી શીના બોરાની હત્યાના એક દિવસ પહેલાં યુનાઇટેડ કિંગ્ડમમાં લંડનમાં તેના કુટુંબ સાથે હતી અને ૨૩ એપ્રિલે ભારત પાછી ફરી હતી.

જૅમ અને બ્રેડ ખાતી ઇન્દ્રાણી મુખરજી લે છે ચા સાથે બ્રેડ

ઊંચા જીવનસ્તરથી ટેવાયેલી અને ફાઇવસ્ટાર હોટેલોમાં ભોજન કરનારી, નાસ્તામાં બ્રેડ-બટર અને જૅમ ખાનારી ઇન્દ્રાણી મુખરજીને પોલીસ-કસ્ટડીમાં ચા અને પાંઉ ખાવા મળે છે. બપોરે અને રાત્રે માત્ર દાળ-ભાતનું સાદુ ભોજન મળે છે. તેને ભાવતું ભોજન ન મળવાથી ઇન્દ્રાણી વ્યથિત થઈ ગઈ છે. જોકે ઘરના ભોજનમાં તેને ઝેર અપાવાની શક્યતા હોવાથી ર્કોટે ઘરનું ભોજન આપવાની મનાઈ કરી છે.

સંતાનો હાઈ સ્ટેટસમાં નડતાં હતાં

શીના બોરા હત્યાકાંડની સૂત્રધાર ઇન્દ્રાણી મુખરજીએ પોલીસ સમક્ષ એવું કબૂલ કર્યું હોવાનું જાણવા મળે છે કે ‘શીના અને મિખાઇલ અનૈતિક સંબંધને લીધે થયાં હોવાથી હું વ્યથિત રહેતી હતી. હું હાઈ સોસાયટીમાં ફરતી હોવાથી મારે મારો ભૂતકાળ ભૂંસી નાખવો હતો. બન્નેને હું મારાં ભાઈ-બહેન તરીકે સમાજમાં દર્શાવતી હતી તો પણ તેઓ મારા હાઈ સોસાયટીના સર્કલમાં મારી શાખને હાનિ પહોંચાડતાં હતાં. તેમનો કાંટો દૂર કરવાના મને વિચાર આવતા હતા. શીના અને મિખાઇલ મારા જીવનમાં ડાઘ સમાન હોવાનું મને લાગ્યા કરતું હતું. એમ છતાં તેમનો શિક્ષણ સહિતનો ખર્ચ હું ઉપાડતી હતી. શીનાને દર મહિને ૪૦,૦૦૦ રૂપિયા આપતી હતી. એમાં વળી શીનાએ રાહુલ મુખરજી સાથે પ્રેમ કર્યો અને તેમણે સગાઈ પણ કરી લીધી. આના કારણે શીનાને પીટર મુખરજીના કુટુંબની મિલકતનો એક હિસ્સો મળવાનો હતો. આ જ દ્વેષને લીધે શીનાની હત્યા કરવાનો નિર્ણય મેં લીધો હતો.’

સંજીવ ખન્નાને જોઈએ છે સિગારેટ

ઇન્દ્રાણી મુખરજીના પહેલા પતિથી થયેલી પુત્રીની હત્યા કરવાના આરોપસર પોલીસ-કસ્ટડીમાં રહેલો ઇન્દ્રાણીનો બીજો પતિ સંજીવ ખન્નાના શોખ ઊંચા છે. સંજીવને સિગારેટનું વ્યસન હોવાથી તેને પોલીસ-કસ્ટડીમાં ભારે પડે છે અને તે વારંવાર પોલીસો પાસે સિગારેટની માગણી કરી રહ્યો છે.