સંજય રાઉત સ્વતંત્રતાસેનાની છે કે અખબારમાં કૉલમ લખવાની પરવાનગી અપાઈ?

08 August, 2022 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ગુજરાતી સંબંધિત નિવેદન પર શિવસેનાના મુખપત્રમાં નામ સાથે જેલમાં બંધ સંજય રાઉતની રોખટોક કૉલમ છપાવા સામે એમએનએસએ કર્યો સવાલ

ફાઇલ તસવીર

પત્રા ચાલમાં કથિત કૌભાંડ કરવાના આરોપમાં શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં છે ત્યારે તેમનો શિવસેનાના મુખપત્ર ‘સામના’માં રોખટોક લેખ ગઈ કાલે છપાવા સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ સવાલ કર્યો છે. સંજય રાઉત સ્વતંત્રતાસેનાની છે કે તેમને છાપામાં કૉલમ લખવા માટેની પરવાનગી આપવામાં આવી છે? રોખટોક કૉલમમાં સંજય રાઉતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના મુંબઈના વિકાસમાં ગુજરાતી અને રાજસ્થાનીઓનું મોટું યોગદાન હોવા બાબતના નિવેદનનો જવાબ આપ્યો છે અને રાજ્યપાલની ટીકા કરી છે.

સંજય રાઉતની કૉલમ છપાવા બાબતે એમએનએસના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ ગઈ કાલે સવાલ કર્યો હતો કે ભ્રષ્ટાચારના આરોપમાં જેમની ધરપકડ કરવામાં આવી છે એ સંજય રાઉત સ્વતંત્રતાસેનાની નથી કે તેમને જેલમાં રહીને અખબારમાં કૉલમ લખવાની પરવાનગી આપવામાં આવે. તેમના નામે બીજું કોઈ લખે છે કે? કોઈ ડુપ્લિકેટ સંજય રાઉત તો પેદા નથી થયાને?
સંજય રાઉતના નામે ‘સામના’ અખબારમાં રોખટોક કૉલમમાં લખવામાં આવ્યું હતું કે ‘રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુંબઈ બાબતે ‘ગુજરાતી-રાજસ્થાની ન હોય તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે’ એવું કહ્યું હતું. આ નિવેદનનો ભારે વિરોધ થવાથી રાજ્યપાલે માફી માગી છે, પણ સવાલ કાયમ રહે છે. મુંબઈ અને ગુજરાતી ભાઈઓનો સંબંધ શું? ગુજરાતીઓ મુંબઈમાં ક્યારે આવ્યા? રાજ્યપાલે મહારાષ્ટ્રની જનતાની માફી માગી છે. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાષ્ટ્ર બાબતનાં અયોગ્ય નિવેદનો આપવા બદલ ભૂતકાળમાં પંડિત નેહરુ અને મોરારજી દેસાઈએ પણ માફી માગવી પડી હતી.’

રાજ્યપાલ કંઈ ન બોલ્યા
મુંબઈ સંબંધિત વિવાદાસ્પદ નિવેદનનો રાજ્યમાં ભારે વિરોધ થયો હોવાથી તેમને પત્રકારો સાથે વાત ન કરવાનો આદેશ ઉપરથી આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ગઈ કાલે રાજભવનમાં તેમના હાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અહીં હાજર પત્રકારોએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું કંઈ બોલીશ નહીં. અહીં મુખ્ય પ્રધાન હાજર છે તેમની સાથે વાત કરો. મારે બોલવું નથી. મને પત્રકારો સાથે વાત ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’ રાજ્યપાલે આવું કૅમેરાની સામે કહ્યું હતું. 

mumbai mumbai news shiv sena sanjay raut